પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને પણ કોર્ટે સજા ફટકારી
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (ઙઝઈં)ના નેતા શાહ મહમૂદ કુરેશીને સાયફર કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. મંગળવારે રાવલપિંડીની સ્પેશિયલ કોર્ટના જજે અદિયાલા જેલમાં આ સજા સંભળાવી હતી. જજ અબુલ હસનત ઝુલ્કરનૈને ઈમરાન અને કુરેશીની હાજરીમાં આ ચુકાદો સંભળાવ્યો હતો. આ કેસની સુનાવણી ગત વર્ષથી અદિયાલા જેલમાં ચાલી રહી છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ઝુલ્કરનૈને પીટીઆઈ નેતાઓને કહ્યું કે તેમના વકીલો કોર્ટમાં હાજર થયા નથી અને તેમને સરકારી વકીલો આપવામાં આવ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું કે કુરેશી અને ઈમરાનને કલમ 342 હેઠળ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. જો કે, કુરેશીએ કહ્યું હતું કે તેમના વકીલ હાજર નહોતા તેથી તેઓ તેમનું નિવેદન નોંધાવી શક્યા નથી.
- Advertisement -
સાઇફર કેસ શું છે?
એપ્રિલ 2022 માં સરકારના પડી ગયા પછી, ઇમરાને સતત દાવો કર્યો હતો કે અમેરિકા અને તત્કાલીન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમની સરકારને પાડવાનું કાવતરું ઘડ્યું હતું. ખાનનો આરોપ છે કે તેમને આ ષડયંત્ર વિશે અમેરિકામાં તત્કાલીન પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને સીક્રેટ લેટર દ્વારા જાણ કરી હતી. રાજદ્વારી ભાષામાં આ પત્રને સાઇફર કહેવામાં આવે છે. આ સાઇફર અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ એટલે કે વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો. ઈમરાન વર્ષ 2022માં ઘણી ચૂંટણી રેલીઓમાં આ પત્રને લહેરાવતો દેખાયા હતા. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાના ઈશારે તેમની સરકારને સેનાએ પાડી દીધી હતી. કાયદેસર રીતે, આ પત્ર નેશનલ સીક્રેટ છે, જે જાહેર સ્થળે બતાવી શકાય નહીં. આ સિવાય ખાનની એક ઓડિયો ટેપ પણ વાયરલ થઈ હતી. તેમાં ઈમરાન, તત્કાલીન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને મુખ્ય સચિવ આઝમ ખાનનો અવાજ હતો. ફોરેન્સિક તપાસમાં સાબિત થયું કે ઓડિયો સાચો હતો અને તેની સાથે ચેડા કરવામાં આવ્યા નહોતા.