નવ્ય કાશી, દિવ્ય કાશી: મોદીએ કાશી વિશ્ર્વનાથ કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન
કાશી તો અવિનાશી
ખાસ-ખબર સંવાદદાતા
PM નરેન્દ્ર મોદીએ આજે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ આ પહેલા ગંગામાં ડૂબકી લગાવી અને પવિત્ર જળ લઈને ભગવાન શિવને અર્પિત કર્યું તથા પૂજા કરી. આ અવસરે પીએમ મોદીએ કાશીના ગૌરવપૂર્ણ ઈતિહાસને યાદ કર્યો. પીએમ મોદીએ શિવાજી અને રાજા સુહેલદેવથી લઈને હોલ્કરના મહારાણી અને મહારાજા રણજીત સિંહના યોગદાનને પણ યાદ કર્યું. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ધાટન બાદ સંબોધન પણ કર્યું. જેમાં તેમણે ત્રણ સંકલ્પ લેવા પણ જણાવ્યું.

- Advertisement -
પ્રધાનમંત્રીએ કહ્યું કે મંદિરમાં આપણે ભગવાન પાસે અનેકવાર કઈને કઈ માંગીએ છીએ. મારા માટે જનતા ઈશ્વરનું રૂપ છે. હું તમારી પાસે માંગુ છું કે આપણા દેશ માટે ત્રણ સંકલ્પ કરો. પહેલો સ્વચ્છતા, બીજો સૃજન, અને ત્રીજો આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ. પીએમ મોદીએ કહ્યું કે માતા ગંગાની સફાઈ માટે ઉત્તરાખંડથી લઈને પશ્ચિમ બંગાળ સુધી અનેક પ્રયત્નો ચાલી રહ્યા છે. હું આહ્વાન કરું છું કે પૂરી તાકાતથી સૃજન કરો, ઈનોવેટિવ રીતે ઈનોવેટ કરો. દરેક ભારતવાસી જ્યાં પણ છે જે પણ ક્ષેત્રમાં છે, દેશ માટે કઈક નવા પ્રયત્ન કરશે ત્યારે નવા માર્ગ બનશે. જ્યારે ભારત 100 વર્ષ આઝાદીના ઉજવશે ત્યારે ભારત કેવું હશે તેના માટે અત્યારથી પ્રયત્ન કરવાનો રહેશે. આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવાનું છે. એવું ભારત બનાવવાનું રહેશે જેમાં આપણે વોકલ માટે લોકલ બનીએ. આ વિશ્વા સાથે હું બાબા વિશ્વનાથ અને તમામ દેવી દેવતાઓના ચરણોમાં પ્રણામ કરું છું.
- Advertisement -

કાશીમાં સત્ય જ સંસ્કાર છે, પ્રેમ જ પરંપરા
પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશીમાં સત્ય જ સંસ્કાર છે, કાશી તે છે જ્યાં પ્રેમ જ પરંપરા છે. કાશી અંગે જે પણ કહું તે ઓછું છે. આ કાશી શિવમયી છે, જ્ઞાનમયી છે. ભગવાન શિવે પોતે કહ્યું કે ધરતીના ક્ષત્રોમાં કાશી સાક્ષાત મારું જ શરીર છે. આથી અહીંનો દરેક પથ્થર શંકર છે. શાસ્ત્રોના વાક્ય છે કે કાશીમાં સર્વત્ર, દરેક જીવમાં ભગવાન શિવના દર્શન થાય છે. કાશી જીવત્વને શિવત્વ સાથે જોડે છે.

પીએમ મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ધાટન કર્યું. હજારો વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો. પીએમ મોદીએ કહ્યું કે બાબા વિશ્વનાથના ચરણોમાં શીશ નમાવું છું. હમણા જ હું બાબા સાથે નગર કોટવાલ કાળ ભૈરવજીના પણ દર્શન કરીને આવું છું. કાશીમાં કઈ પણ નવું થાય તો સૌથી પહેલા તેમને પૂછવું જરૂરી છે.
કાશી વિશ્ર્વનાથ કોરિડોરનું નિર્માણ કરનારા મજૂરોનું મોદીએ વિશેષ સન્માન કર્યું હતું. તેને ફૂલોથી નવાજ્યા હતા તેમજ તેમની સાથે ભોજન લીધું હતું.
’કાશી અવિનાશી, અહીં એક જ સરકાર’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે હું બનારસ આવ્યો હતો ત્યારે મને વિશ્વાસ હતો. મને મારા કરતા બનારસના લોકો પર વિશ્વાસ હતો. કેટલાક લોકો કહેતા હતા કે કેવી રીતે થશે? આ તો થશે જ નહીં. મોદી જેવા અનેક લોકો આવીને જતા રહ્યા. બનારસ વિશે ધારણાઓ બનવા લાગી. આ જડતા બનારસની નહતી. અંગત સ્વાર્થ માટે બનારસ પર આરોપ લગાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે કાશી તો કાશી છે, કાશી અવિનાશી છે. કાશીમાં એક જ સરકાર છે, જેના હાથમાં ડમરું છે, તેની સરકાર છે. જ્યાં ગંગા પોતાની ધારા બદલીને વહેતી હોય, તે કાશીને ભલા કોણ રોકી શકે? અહીં બધુ મહાદેવની ઈચ્છાથી થાય છે. જે પણ કઈ થયું તે બધુ મહાદેવે કર્યું છે.

પીએમ મોદીએ કાશીના લોકોનો માન્યો આભાર
પીએમ મોદીએ કહ્યું કે બાબાની સાથે જો કોઈ અન્યનું યોગદાન હોય તો તે બાબાના ગણોનો છે. એટલે કે તમામ કાશીવાસીઓનો છે જે ખુબ મહાદેવનું સ્વરૂપ છે. જ્યારે પણ બાબાને પોતાની શક્તિનો અનુભવ કરાવવાનો હોય છે તો કાશીને માધ્યમ બનાવે છે. કાશી વિશ્વનાથ કોરિડોરનું નિર્માણ કરનારા મજૂરોનો હું આભાર માનું છું. તેમણે કોરોનાકાળમાં પણ નિર્માણ કાર્ય અટકવા દીધુ નહીં. જે લોકોના અહીં ઘર હતા હું તેમનો પણ અભિવાદન કરું છું. કર્મયોગી સીએમ યોગી અને તેમની ટીમનો પણ આભાર માનું છું.



