રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં સૌ.યુનિ. ચેમ્પિયન, દેવ્યાનીબા ઝાલાએ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડોની રમતવીર રીતુ વાજાએ ઉતરાખંડમાં ચાલી રહેલા 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં જુડો ટીમ રમતમાં સીલ્વર મેડલ જીતી રમત-ગમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. તેમજ તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઘરઆંગણે રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બની અને દેવ્યાનીબા ઝાલાએ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જે સૌરાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ વાત છે. ત્યારે આ ગૌરવની ક્ષણે સૌ.યુનિ.ના કુલપતિએ રીતુ વાજા તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબાને અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ આ તકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યરત છે. શિક્ષણ-સંશોધનની પ્રવૃત્તિઓ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રમાં અગ્રેસર લઈ જવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના નિયામક, શારીરિક શિક્ષણના અધ્યાપકો તથા કોચ દ્વારા વિદ્યાર્થીઓને જરુરી માર્ગદર્શીત પુરુ પાડવામાં આવે છે. રમત-ગમતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ઉંચી ઉડાન ભરી છે અને અનેક વિદ્યાર્થીઓએ મેડલ્સ જીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી સમયમાં ઓલમ્પિક જેવી રમતોમાં ભાગ લઈ દેશનું નામ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.