અંતિમવિધિ માટે આવતા પરિવારોને અવરજવરમાં મુશ્કેલી થતી હોવાની જાગૃત નાગરિકની ફરિયાદ
મંગળવારે મેલડી માતાજીના મંદિરે વધતી ભીડને લઈ અલગ ગેટ ખોલવાની અપીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રામનાથપરા સ્મશાનગૃહ ખાતે આવેલા મેલડી માતાજી મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. ખાસ કરીને મંગળવારના દિવસે અહીં ભાવિકોની સંખ્યા અત્યંત વધી જાય છે, જેના કારણે સ્મશાનગૃહ વિસ્તારમાં ભીડભાડ જેવી પરિસ્થિતિ સર્જાય છે.
મંગળવારના દિવસે મંદિરે શ્રધ્ધાળુઓની લાંબી લાઇનો જોવા મળે છે. પરિણામે, પોતાના સ્વજનની અંતિમવિધિ માટે સ્મશાનગૃહમાં આવતા લોકો માટે અવરજવર મુશ્કેલ બની જાય છે.
સ્થાનિક જાગૃત નાગરિક ચંદુભાઈ પરમારે રામનાથપરા સ્મશાનગૃહના સંચાલકોને નમ્ર અપીલ કરી છે કે મંદિરે જવા માટે અલગથી બનાવવામાં આવેલા ગેટ નિયમિત રીતે અથવા મંગળવારના દિવસે જો ખુલ્લો રાખવામાં આવે તો ભીડની સમસ્યા હળવી થઈ શકે તેમ છે. તેમનું માનવું છે કે જો અલગ પ્રવેશ વ્યવસ્થા કરવામાં આવે તો અંતિમવિધિ માટે આવતા લોકો અને દર્શનાર્થે આવતા ભાવિકો બંનેને સરળતા રહેશે.
ચંદુભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે અલગ ગેટ ખોલવાથી લાંબી લાઇનો ટાળી શકાય અને ભાવિકો સરળતાથી માતાજીના દર્શન કરી શકે. સાથે સાથે અંતિમવિધિ માટે આવેલા પરિવારોને પણ અનાવશ્યક અવરોધનો સામનો કરવો ન પડે. સ્થાનિકોમાંથી પણ આવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે. ત્યારે સંચાલકો દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તો ધાર્મિક આસ્થા અને માનવીય સંવેદનાની વચ્ચે સંતુલન જાળવી શકાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.



