રેસકોર્સ રોડના ફૂટપાથનો કબજો
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન અને યોગ્ય માર્ગ વ્યવસ્થા માટે તંત્ર વારંવાર દાવા કરે છે, પરંતુ હકીકતમાં દૃશ્ય કંઈક જુદું જ છે. રાજકોટ શહેરના રેસકોર્સ રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ વ્યવસ્થામાટે મુકવામાં આવેલા બેરીકેટનો ઉપયોગ કરી એક શખ્સે ફૂટપાથ પર જ કામચલાઉ રહેઠાણ ઊભું કરી દબાણ કરી લીધાનું સામે આવ્યુ છે. ટ્રાફિક નિયમન માટે સતત દંડ, ચેકિંગ અને અભિયાન ચલાવતું તંત્ર આ દબાણ સામે મૂંગું કેમ છે? તેમજ ટ્રાફિક નિયમનની મોટી મોટી વાતો કરતી પોલીસને શું આ ફૂટપાથ પર થયેલું દબાણ દેખાતુ નહીં હોય તેવી લોકચર્ચા ઉઠી છે. તેમજ ફૂટપાથ મૂળ પગપાળા ચાલક માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ હવે તેમાં ગેરકાયદેસર કબજો થતાં નાગરિકોને અડચણો ઉભી થઈ રહી છે. શહેરના સૌથી વ્યસ્ત રસ્તાઓમાં ગણાતા રેસકોર્સ રોડ પર આ દબાણને કારણે વાહનવ્યવહારની સાથે સાથે પગપાળા જતા લોકોની સુરક્ષા પર પણ સવાલો ઊભા થયા છે. ત્યારે આ પ્રકારનું દબાણ માત્ર કામચલાઉ જ નહિ, પરંતુ જો સમયસર દૂર ન કરવામાં આવે તો કાયમી સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે મનપા અને પોલીસ તંત્ર આ દબાણ સામે કઈ કાર્યવાહી કરે છે કે નહીં.



