કથામૃત:
એક સંન્યાસી ફરતા ફરતા એક નગરમાં આવ્યા. એક માણસ આ સંન્યાસીને મળવા માટે આવ્યો. એ ખૂબ ગુસ્સામાં હતો. સંન્યાસીને જેમ ફાવે તેમ બોલવા લાગ્યો. ગાળો પણ ભાંડી. પણ સંન્યાસી કંઈ જ બોલ્યા વગર શાંતિથી આ માણસને સાંભળી રહ્યા હતા. પેલો માણસ બરાડા પાડીને બોલતો રહ્યો અને સંન્યાસી મંદમંદ સ્મિત કરતા સાંભળતા રહ્યા. હવે પેલો બોલીબોલીને કંટાળ્યો એટલે એ જતો રહ્યો. સંન્યાસીની સાથે તેના સેવકો હતાં. તે બધાં ગુસ્સાથી લાલચોળ થઈ ગયા.
- Advertisement -
એમણે સંન્યાસીને પૂછ્યું, એ માણસ આપને ખૂબ ખરાબ શબ્દો કહી રહ્યો હતો. તમે કોઈ જવાબ આપવાને બદલે માત્ર સાંભળતા જ કેમ હતા ? સંન્યાસીએ સેવકને કહ્યું, બેટા આપણે કોઈના માટે કોઈ ભેટ લઈને જઈએ, સામે વાળી વ્યક્તિને એ ભેટ આપીએ; પણ સામેવાળી વ્યક્તિ એ ભેટ સ્વીકારે જ નહીં તો પછી જે ભેટ આપણે એમના માટે લઈ ગયા હોઈએ, એ કોની પાસે પડી રહે ? સેવકે કહ્યું, ગુરુદેવ, જો સામેવાળો ભેટ ન સ્વીકારે તો પછી જે માણસ ભેટ લઈને આવ્યો હોય, એની પાસે જ ભેટ પડી રહે. સંન્યાસીએ કહ્યું, બેટા, બિલકુલ સાચો જવાબ છે. સામેવાળો માણસ તમને ગાળો આપે પણ એ ગાળોને તમે સ્વીકારો જ નહીં; તો એ ગાળો તમારી પાસે આવતી જ નથી. એ સામેવાળા માણસ પાસે એમની એમ જ પડી રહે છે.
બોધામૃત
કોઈપણ વ્યક્તિ મારા વિષે જો કંઈ ઘસાતું કે ખરાબ બોલે; એ જે સાચુ હોય તો મારે એનો સ્વીકાર કરીને મારી જાતને સુધારવી જોઈએ. અને જો એ ખોટું હોય તો એ મારા માટે બોલાતું જ નથી. તો એનો જવાબ જ શા માટે આપવો ?