પત્નીને ભરણપોષણ માટે રકમ ચૂકવવાની પતિની ફરજ છે : કોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
જીવન નિભાવના ખર્ચમાં વૃદ્ધિને પગલે કોઈ છૂટાછેડા લીધેલી મહિલા જો બે છેડા ભેગા કરવા માટે નોકરી કરતી હોય તો તેને ભરણપોષણની રકમની ચૂકવણી નકારી ન શકાય, એવો ચુકાદો મુંબઈ વડી અદાલતના ન્યાયમૂર્તિ એન.જે.જામદારે તાજેતરમાં આપ્યો હતો. છૂટાછેડાના કેસમાં કોલ્હાપુરના એડિશનલ સેશન્સ જજના પત્નીને ભરણપોષણ રૂપે દર મહિને ત્રણ હજાર રૂપિયા ચૂકવવાના આદેશને પડકારતી પતિની અરજીને રદબાતલ કરતાં ન્યાયમૂર્તિ જામદારે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સંકળાયેલાં દંપતીનાં લગ્ન વર્ષ 2005ના મે મહિનામાં થયા હતા. વર્ષ 2012માં તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. ત્યારપછીના વર્ષોમાં પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને પતિ અને સાસરિયાં સામે મારઝુડ (ડોમેસ્ટિક વાયોલન્સ)નો કેસ કોર્ટમાં કર્યો હતો. વર્ષ 2015માં મેજિસ્ટ્રેટ્સ કોર્ટે અરજદાર પત્નીને પુત્રના નિભાવ માટે 2000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. એ ચુકાદા સામે પત્નીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. એ અપીલ સ્વીકારતાં એડિશનલ સેશન્સ જજે પત્ની અને પુત્રને માટે પાંચ હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કોલ્હાપુરના એડિશનલ સેશન્સ જજના ચુકાદાને પતિએ હાઈ કોર્ટમાં પડકાયો હતો. પતિએ પડકાર અરજીમાં જણાવ્યું હતું કે પત્ની ચાંદીની વસ્તુઓના કારખાનામાં નોકરી કરીને ગુજરાન ચલાવી શકે છે. તેથી એ બાબતને ધ્યાનમાં ન લઈને એડિશનલ સેશન્સ જજે ચુકાદો આપવામાં ભૂલ કરી છે. પતિના વકીલે કહ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ પુછાયેલા સવાલોના જવાબોમાં પત્નીએ રોજના 100થી 150 રૂપિયા કમાતી હોવાનો દાવો કર્યો છે. જસ્ટિસ જામદારે 21 એપ્રિલે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ફક્ત પત્ની નોકરી કરે છે, એ મુદ્દે તેને ભરણપોષણ ન આપવું એવો નિર્ણય વાજબી નથી. રોજના ફક્ત 100 કે 150 રૂપિયા કમાતી હોવાનો મુદ્દો મેજિસ્ટ્રેટે મહિલાની વિરુદ્ધ ગણવો જોઇતો નહોતો. આજના મોંઘવારીના વખતમાં ફક્ત પાંચ હજાર રૂપિયામાં ઘર કેવી રીતે ચાલે? એ મહિલા છે અને નોકરી કરીને કમાય છે, એ મુદ્દે તેને ભરણપોષણની રકમની ચૂકવણી નકારી ન શકાય. પત્નીને ભરણપોષણ માટે રકમ ચૂકવવાની પતિની ફરજ છે. વળી ભરણપોષણની પાંચ હજાર રૂપિયાની રકમ પણ સાવ
મામૂલી છે.