કચરો લેવા આવતી ગાડી નિયમિત રીતે અનિયમિત
ટ્રાફિકજામ થવાની સાથે-સાથે જીવલેણ અકસ્માત થવાની સેવાતી ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.15
વાંકાનેર નગરપાલિકા દ્વારા રસ્તાનું કામ પૂરું થયા બાદ પણ માટીનો ઢગલો ન ઉપાડવામાં આવતાં આ વિસ્તારમાં ટ્રાફિક જામ થવાની સાથે જીવલેણ અકસ્માત થવાની સેવાતી ભીતિ સેવાઇ રહી છે.વોર્ડ નંબર 2 માં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર રસ્તાની મરામત કરી માટીનો ઢગલો ઉપાડવામાં ન આવતા એક તરફના રસ્તા પર વાહનોની આવક જાવકથી દિવસભર ટ્રાફિક જામ થવાની ઘટનાઓ બને છે સાથે જ અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે. શહેરની પાલિકામાં વોર્ડ નંબર 2 માં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર ફાટક પાસે લાંબા સમયથી રસ્તો તૂટી ગયો હતો જ્યાં પાલિકા દ્વારા રસ્તાની મરામત કરવામાં આવી હતી. કામ ચાલતું હોવાથી માટીનો ઢગલો કરી રસ્તો બંધ કરાયો હતો ત્યારે વોર્ડ નં 2ના કાઉન્સિલર જાગૃતીબેન ચેતનભાઈ ચૌહાણે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને વોર્ડ નંબર 2 માં મીલ કોલોની રેલ્વે સ્ટેશન ફાટક પાસે રસ્તાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી ત્યાં રસ્તા વચ્ચેથી ધૂળના ઢગલા ઉપાડવા રજૂઆત કરી છે. આ ધૂળના ઢગલાના કારણે ટ્રાફિકજામ થાય છે અને જાનહાનિની પણ શક્યતા છે. તો તાત્કાલિક ધોરણે ધૂળના ઢગલા દૂર કરવા માગ કરવામાં આવી છે. રસ્તાની વચ્ચે જ માટીનો ઢગ હટાવવાની સૂચના કોન્ટ્રા.ને આપવામાં પાલિકાની ઢીલ દુર્ઘટના નોતરશે. વોર્ડ નંબર 2 માં કચરાની ગાડી આવતી નથી, ગટરના ઢાંકણા તૂટી ગયેલી હાલતમાં છે. તો આ વિસ્તારમાં કચરો લેવા ગાડી નિયમિત આવે, ગટરના ઢાંકણા બદલવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. પાલિકામાં વિરોધ પક્ષ મજબૂત બનતા જ સમસ્યાઓ બાબતે રજૂઆતો કરાઇ રહી છે ત્યારે હવે સમય સૂચકતા વાપરીને પાલિકા તંત્ર દ્વારા અધૂરા અને મનસ્વી નિર્ણયો લેવામાં વિચાર કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.