RMCની ઢીલી નીતિના વાંકે આ ઉનાળે પણ તરવૈયાઓને લાભ નહીં મળે!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઉનાળો શરુ થઇ ગયો છે અને આ સમયે શહેરના સ્વિમિંગ પૂલોમાં સ્વિમિંગ કરવા આવતા લોકોની ભીડ જોવા મળતી હોય છે. રાજકોટના રેસકોર્સ ખાતે લોકમાન્ય તિલક સ્વિમિંગ પૂલ આવેલો છે. જ્યાં સમગ્ર રાજકોટમાંથી મોટી સંખ્યામાં લોકો સ્વિમિંગ માટે આવતા હોય છે. જેના માટે 3 થી 12 મહિનાની મેમ્બરશિપ કરાવવી પડતી હોય છે. પરંતુ હાલમાં આ સ્વિમિંગ પૂલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. તા. 30/08/2024 થી RMCએ સુવિધા વધારવા આ સ્નાનાગારનું રોનિવેશનનું કામ શરુ કર્યું હતું. જે આશરે 2 મહિનામાં પૂર્ણ થઇ જવાની આશા હતી. પરંતુ એ અંદાજીત 8 મહિના પૂર્ણ થવા છતાં પણ આ કાર્ય પૂર્ણ થયું નથી અને હજુ વધુ આશરે 3 થી 4 મહિના જેવો સમય લાગી જાય તેવું દેખાઈ રહ્યું છે. આ કામમાં RMCની ઢીલી નીતિ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. કોઈ પણ કામ ઝડપથી પૂર્ણ કરવા અને શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવાના બણગા ફૂંકતી રાજકોટ મનપા આ કાર્ય ક્યારે પૂર્ણ કરશે ? રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીનો વિવિધ ક્ષેત્રે વિકાસ કરવાની વાતો માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ બાબતે મનપા કેવીક સ્ફૂર્તિ દેખાડે છે તે હવે જોવું રહ્યું.
વાર્ષિક મેમ્બરશિપ ફી ભરવી કે નહીં ? અનેક સવાલો
આજથી સ્વિમિંગ પૂલની વાર્ષિક મેમ્બર બનવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ થયું છે. ત્યારે હવે અહીં મુખ્ય પ્રશ્ર્ન એ છે કે જે લોકો 1 વર્ષની મેમ્બરશિપ ફી ભરે છે અને જો તેમને આ સ્નાનાગારનો ઉપયોગ કરવા કરવા મળશે નહીં તો તેઓના ફી પેટે આપેલા રૂપિયાનું શું? અને સ્વિમિંગપૂલ કયારે શરૂ થશે તે હજુ નક્કી નથી. તો જયારે પણ પૂલ ચાલુ થાય ત્યારે શું આ ભરેલી ફીમાંથી રૂપિયા બાદ મળશે કે પછી મેમ્બરશિપ સમય વધારી આપવામાં આવશે તે પણ પ્રશ્ર્ન છે? આ વાત લઇને તંત્ર એ સ્પષ્ટતા કરવી જોઈએ.



