સર્ચ એન્જીન ગૂગલને યુરોપિયન યુનિયનની સર્વોચ્ચ અદાલતે 4 અબજ ડોલરનો જંગી દંડ ફટકાર્યો છે. અત્યાર સુધીનો આ સૌથી મોટો દંડ માનવામાં આવે છે. એકાધિકારના કેસમાં અદાલતે આ મોટો ઝટકો આપ્યો છે.
યુરોપિયન યુનિયનની અદાલતે આલ્ફાબેટ કંપની પર સ્પર્ધાત્મકતા સર્જાતી રોકવા અને ઉપયોગકર્તાઓના વિકલ્પ ઘટાડવાના પ્રયાસોમાં ગૂગલને દોષિત ઠેરવી 4 અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો જે ભારતીય રુપિયા પ્રમાણે 31,778 કરોડ થવા જાય છે. 2015થી ચાલતા આ કેસમાં અદાલતે કહયું કે યુરોપિયન નિયામકના આદેશને યોગ્ય ઠરાવવામાં આવે છે.
- Advertisement -
કંપનીએ એન્ડ્રોઇડ મોબાઈલ ઉત્પાદકતો તથા મોબાઈલ નેટવર્ક ઓપરેટરો પર ગેરકાનૂની રીતે પ્રતિબંધો લગાવ્યા હતા તે પાછળનો આશય માર્કેટમાં વર્ચસ્વ જાળવવાનો હતો. યુરોપિયન આયોગ દ્વારા ધરખમ દંડ ફટકારાતા ગૂગલે અદાલતમાં અપીલ કરી હતી પરંતુ અદાલતે પણ આદેશ યથાવત રાખ્યો છે.
જો કે યુરોપિયન આયોગે 4.34 અબજ યુરોના દંડ ફટકાર્યો હતો જેમાં અદાલતે 5 ટકાનો ઘટાડો કરીને 3.99 અબજ ડોલર અર્થાત 4.125 અબજ યુરો કરી દીધો છે. કાનૂની વિવાદમાં ગૂગલની આ બીજી હાર છે. આ પૂર્વે ગત વર્ષે 2.42 અબજ ડોલરના દંડના કેસમાં અપીલ કરી હતી પરંતુ અદાલતે તે પણ ફગાવી દીધી હતી.