પ્રતિબંધોના પગલે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 122 ડોલરને પાર
ક્રૂડ માટે બીજા આયાતકારો શોધી લઈશું : રશિયાનો વળતો જવાબ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન પર આક્રમણ બદલ અમેરિકા અને યુરોપે રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે, પરંતુ હજુ સુધી આ પ્રતિબંધોની રશિયા પર ખાસ અસર થઈ નથી. હવે યુરોપના દેશોએ રશિયા પર વધુ આકરો પ્રતિબંધ મૂકવા તૈયારી કરી છે. તેની ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની જરૂરિયાત માટે રશિયા પર નિર્ભર યુરોપે રશિયન ક્રૂડની ખરીદી પર 90 ટકા કાપ મૂકવાનો નિર્ણય કરીને વ્લાદિમિર પુતિનને મોટો ફટકો પહોંચાડયો છે. આ પ્રતિબંધોના પગલે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 122 ડોલરને પાર થઈ ગયો છે.
યુરોપીયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે મંગળવારે જણાવ્યું હતું કે, યુરોપીયન સંઘના નેતાઓએ બ્રશેલ્સમાં શિખર સંમેલનના પહેલા દિવસે રશિયન ક્રૂડની બે તૃતિયાંશથી વધુની આયાત પર પ્રતિબંધ મૂકવા સહમતિ વ્યક્ત કરી છે. મિશેલે ટ્વીટ કરીને કહ્યું કે, આ પ્રતિબંધ પેકેજમાં અન્ય કઠોર ઉપાયોનો સમાવેશ થાય છે.
તેમાં સૌથી મોટી રશિયન બેન્ક સબેર બેન્કને ડી-સ્વિફ્ટ કરવી અને રશિયન સરકારની માલિકીવાળા પ્રસારકો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. રશિયાએ 24મી ફેબુ્રઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યુદ્ધ બંધ કરવા માટે રશિયા પર દબાણ કરવા તેના સૌથી આકર્ષક ઊર્જા સેક્ટર પર દબાણ લાવવા પશ્ચિમી દેશો પ્રયાસ કરી રહ્યા હતા.
જોકે, યુરોપ 25 ટકા ક્રૂડ અને 40 ટકા કુદરતી ગેસની ખરીદી રશિયા પાસેથી કરતું હોવાથી યુરોપીયન સંઘ રશિયન ક્રૂડ પર પ્રતિબંધ મુકવા તૈયાર નહોતું. જોકે, મહિનાઓની ચર્ચાને અંતે યુરોપીયન સંઘના નેતાઓ આગામી છ મહિનામાં રશિયન ક્રૂડની આયાત પર 90 ટકા કાપ મૂકવા સંમત થયા છે. અમેરિકા અને બ્રિટન પછી યુરોપીયન સંઘે પણ રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકતા વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 122 ડોલરને પાર થઈ ગયો હતો.
જોકે, યુરોપીયન સંઘના નિર્ણયના જવાબમાં વિયેનામાં રશિયાના કાયમી પ્રતિનિધિ મિખાઈલ યુલીયાનોવે ટ્વિટર પર જણાવ્યું હતું કે, રશિયા અન્ય આયાતકારો શોધી લેશે. આ પ્રતિબંધોથી આર્થિક ફટકો પહોંચવા છતાં રશિયા ગભરાશે નહીં.