ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
25 સપ્ટેમ્બર, 2024ના રોજ કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં 3 જિલ્લાનાં 196 ગામ, 17 નદીનો સમાવેશ કરાયો હતો. આ કાયદો રદ કરવાની માગ સાથે તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચથી સાંસદ સુધી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓનું સંમેલન તાલાલા માર્કેટિંગ યાર્ડમાં યોજાયું હતું.
આ સંમેલનમાં સોરઠના સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, વિસાવદરના પૂર્વ ધારાસભ્ય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના ઇઉંઙ સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, 2016માં આ વિસ્તાર કોંગ્રેસ બહુમતીવાળો હતો. ત્યારે પણ હું ખેડૂતોની સાથે રહી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆતો કરી હતી. આજે પણ મારા માટે પહેલા ખેડૂત અને પછી પદ છે. હું રજૂઆત કરવા માટે ગાંધીનગર પણ જઈશ.
- Advertisement -
પ્રજા અને ખેડૂતોની માંગણીનો પ્રત્યુત્તર આપતા સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 2016માં સરકારે ઈકો ઝોનની જે દરખાસ્ત મોકલી હતી તે રદ થયા પછી 2024માં ફરી જાહેરનામું બહાર પડ્યું હતું. ઈકો સેન્સિટિવ ઝોન માટે આ વિસ્તારનું પ્રતિનિધિ મંડળ બનાવી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆત કરવા ગાંધીનગર જશે તો આ પ્રતિનિધિ મંડળમાં હું પણ સામેલ થઈ ખેડૂતો માટે રજૂઆત કરીશ. જાહેરનામાં સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવા સમય આપ્યો છે. ઈ-મેલ દ્વારા હું મારો વાંધો પણ રજૂ કરીશ. બધાએ સમયમર્યાદામાં જાહેરનામા સામે વાંધા રજૂ કરવા ઉપર સાંસદે ભાર મૂક્યો હતો.
‘પ્રજા અને ખેડૂતો સિંહોનું વધુ રખોપું કરે છે’: પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા
આ સંમેલનમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા તરીકે જાણીતા ભાજપના નેતા એવા હર્ષદ રીબડિયાએ જણાવ્યું હતું કે, ગીર અમારું ગૌરવ છે, સિંહ અમારી શાન છે. પ્રજા અને ખેડૂતો સિંહોનું વધુ રખોપું કરે છે.