સરકારે ચંદેલ જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ વિભાગે આપેલા નિવેદન પ્રમાણે મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે કે કેવી રીતે માત્ર બે દિવસમાં એટલે કે 22 અને 23 જુલાઈના રોજ ઓછામાં ઓછા 718 મ્યાનમાર નાગરિકોને યોગ્ય પ્રવાસ દસ્તાવેજો વગર ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી? સરકારે ચંદેલ જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
- Advertisement -
મણિપુર સરકારનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, તે આસામ રાઈફલ્સને પૂછવામાં આવ્યું કે, કેવી રીતે તેમની દેખરેખ હેઠળ ઘાટી-બહુમતી મૈતેઈ અને પહાડી-બહુમતી કુકી જાતિઓ વચ્ચે બે મહિનાથી વધુની હિંસાને કારણે મણિપુરમાં તણાવ વચ્ચે માત્ર બે દિવસમાં 700 થી વધુ મ્યાનમારના નાગરિકો ભારતમાં પ્રવેશ્યા.
આ બાબતની સીધી જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ચિંતિત છે કારણ કે એ જાણવાનો કોઈ રસ્તો નથી કે શું ભારતમાં પ્રવેશેલા મ્યાનમારના નાગરિકોનું નવું સમૂહ શસ્ત્રો અને દારૂગોળો સાથે લાવ્યા હશે.