છેલ્લા કેટલાક દિવસોથી મહાટ્રાફિક જામને પગલે પ્રશાસનનો મોટો નિર્ણય
મહાટ્રાફિક જામના કારણે વાહનો પ્રયાગરાજમાં પ્રવેશ ન કરી શકતા પેટ્રોલપંપ ખાલી થયા: ખાદ્ય પદાર્થો, દૂધની કટોકટી
- Advertisement -
મહાકુંભમાં અત્યાર સુધીમાં 45 કરોડ લોકોએ ડૂબકી લગાવી: સંગમમાં ભારે ભીડ, કમિશનર-DIG રસ્તા પર ઉતર્યા
આવતીકાલે બુધવારે માઘ પૂર્ણિમાએ મહાકુંભમાં સ્નાન પર્વનું મહત્વ હોઈ મહાકુંભ મેળા ક્ષેત્રમાં અને પ્રયાગરાજમાં દરેક પ્રકારના વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી મહાકુંભમાં આવવા માટે જે મહા ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે પરીસ્થિતિ વિકટ ન બને તે માટે પ્રશાસને આ મોટો નિર્ણય લીધો છે.
બીજી બાજુ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડને જોતા ભારે વાહનોની પ્રયાગરાજમાં નો એન્ટ્રીના કારણે શહેરમાં ખાદ્યાન્ન સંકટ પેદા થવા લાગ્યું છે. લોટ, મેંદો, સોજીના મોટાભાગના ભંડારો ખતમ થવા લાગ્યા છે. પાંચ-દસ કિલોની લોટની ગુણીને સ્ટોક નથી બચ્યો, જયાં પણ આ ગુણી મળી રહી છે ત્યાં ભાવ વધી ગયા છે.
- Advertisement -
પ્રયાગરાજમાં બધા પ્રકારના વાહનોને નો એન્ટ્રી: પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં છેલ્લા એક-બે દિવસમાં અચાનક શ્રદ્ધાળુઓનો ટ્રાફિક વધી જતા ભયાનક સમસ્યાઓ ખડી થઈ ગઈ છે. માર્ગો પર કેટલાય કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયો છે. જેના કારણે અનેક સમસ્યાઓ પેદા થઈ રહી છે. વાહનચાલકો, સ્થાનિક લોકો, યાત્રાળુઓ પરેશાન થઈ ગયા છે. આવતીકાલે બુધવારે માઘ પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાને લઈને પોલીસે ટ્રાફિક અને ડાયવર્ઝન પ્લાન લાગુ કર્યો છે. જે અંતર્ગત મહાકુંભ મેળા ક્ષેત્રમાં સોમવારે રાત્રે 8 વાગ્યાથી જ બધા પ્રકારના વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. માત્ર પ્રશાસનિક અને તબીબી વાહનો (એમ્બ્યુલન્સ)ને મેળા ક્ષેત્રમાં પ્રવેશની છુટ અપાઈ છે.
આ વ્યવસ્થા 13 ફેબ્રુઆરીની સવારે 8 વાગ્યા સુધી અથવા ભીડ ઘટી જાય ત્યાં સુધી કરાઈ છે. બીજી બાજુ ભારે ટ્રાફિક જામના કારણે પ્રયાગરાજ શહેરની કફોડી સ્થિતિ બની છે. વાહનોની નો એન્ટ્રીના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાઈ છે. પેટ્રોલપંપો ખાલી થઈ ગયા છે. ખાદ્ય પદાર્થો પુરી પડયા છે. દૂધનું સંકટ પણ પેદા થયું છે.
મહાકુંભમાં ટ્રાફિકનો કોઈ ગેરવહીવટ નહીં: DGP
ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે, કરોડો શ્રદ્ધાળુઓના સતત ધસારાને કારણે લોકોને ટ્રાફિકમાં મોડું થઈ રહ્યું છે. આને વહીવટી નિષ્ફળતા ન ગણવી જોઈએ. ભક્તોની વધતી ભીડને કારણે આવું થઈ રહ્યું છે. દરરોજ લાખો લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ સ્થિતિમાં વાહનો અને લોકોની અવર-જવર આને મેનેજ કરવું એ કોઈપણ વહીવટીતંત્ર અથવા પોલીસ દળ માટે અત્યાર સુધીનો સૌથી મુશ્ર્કેલ પડકાર છે. આ સ્થિતિ હોવા છતાં, યુપી પોલીસના દરેક કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ભક્તોને માર્ગદર્શન આપવાની સાથે તેમની સલામતી પણ સુનિશ્ર્ચિત કરે છે.