સોમનાથ, દ્વારકા, બીલીમોરા, અમદાવાદ સહિતના અનેક મંદિર બહાર લાગ્યા ’NO ENTRY’ના બોર્ડ
ખાસ-ખબર સંવાદદાતા
દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભક્તો રુદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવાયલોમાં ભક્તોની કતાર લાગી છે, શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે રાજ્યના કેટલાક શિવ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
- Advertisement -
ગુજરાતના કેટલાક શિવાલયોમાં ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શિવ મંદિરોની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં. સોમનાથ, નવસારી અને બીલીમોરા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે અમદાવાદના બિલેશ્વર મંદિરમાં પણ ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બીલીમોરા ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરની બહાર પણ પોસ્ટર લગાવવામાં આવ્યું છે. જેમાં લખેલું છે કે, ‘શ્રી સોમનાથ મહાદેવ મંદિર સંકુલમાં દર્શન માટે આવતા દરેક ભાઈઓ-બહેનોને વિનંતી કરવામાં આવે છે કે ટૂંકા વસ્ત્રો જેવા કે બરમૂડા, હાફપેન્ટ, સ્કટ અને સ્લીવલેશ જેવા ટુંકા કપડા/વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં દાખલ થવું નહીં. સહકારની અપેક્ષા.’
દ્વારકાના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ
થોડા દિવસ અગાઉ જ દ્વારકા જગત મંદિરમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. વાત જાણે એમ છે કે, મંદિર વ્યવસ્થાન સમિતિદ્વારા ધાર્મિક ભાવના જળવાઈ રહે તે માટે ભક્તોને ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી હતી.
- Advertisement -