૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના ૩૬,૦૫૯ તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ૧,૩૦,૮૯૩ અને ૬૦ વર્ષથી વધું ઉમરના ૧,૦૭,૫૮૬ લોકોએ પ્રથમ ડોઝ લીધો
રાજકોટ- “કોરોનાથી બચવા હાલમાં રસીકરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે” તેથી આરોગ્ય તંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુ ઉંમરના કો-મોરબીડીટી ધરાવતા અને ૬૦ વર્ષથી ઉપરના અને ૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના તમામ લોકો વેક્સિન આપવાની કામગીરી ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના ૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા ૫ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત, દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
- Advertisement -
ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની ૭૫૦ ટીમો દ્વારા મહોલ્લા વાઈઝ લોકોની મુલાકાત લઈ કોરોના રસીકરણ અંગે લોકોનું કાઉન્સેલીંગ કરી રસીકરણ માટે સમજાવવામાં આવી રહ્યા છે. ૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના લોકોમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના લોકોમાં ૩૬,૦૫૯ ડોઝ, જ્યારે ૪૫ થી ૬૦ વર્ષના વય જૂથના લોકોમાં ૧,૩૦,૮૯૩ ડોઝ અને ૬૦ વર્ષથી ઉપરના લોકોમાં ૧,૦૭,૫૮૬ લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો.
ગ્રામ્ય/નગરપાલિકા વિસ્તારમાં અનાજ કરિયાણાના વેપારી/ફેરિયા/શાકભાજીના વેપારી/દૂધવાળા વગેરે લોકોનો સંપર્ક કરી મેડિકલ ઓફીસર દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં આગામી દિવસોમાં ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ આગામી દિવસોમાં રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
રસીકરણ કરાવનાર આવા જાગૃત નાગરિકોએ પોતાની જાતને તો સુરક્ષિત કરી પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે. રસીકરણ કરાવનાર આવા જાગૃત નાગરિકોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઈ બોદર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસિયા તેમને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
આ રસી અંગેની ખોટી માન્યતાઓ કે અફવાઓથી ભરમાશો નહીં. આ રસીની કોઈ જ આડઅસર નથી થતી. તેથી તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.