મતદાન શરૂ થતાની સાથે જ બુથ ઉપર મતદારોની લાઈનો લાગી
વૃદ્ધો, મહિલાઓ, વિકલાંગ, યુવાઓ સહિતના ઘણા મતદારોએ વહેલી સવારમાં જ આદર્શ નાગરીકની ફરજ બજાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો ઉપર અધિકારીઓ દ્વારા મોકપોલ બાદ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું જો કે દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાનનું મહાપર્વ ઉજવવામાં મોટી સંખ્યામાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક બુથ ઉપર સવારે 7-30 સુધીમાં યુવાનો, વૃદ્ધો અને મહિલાઓ મતદાન કરવા પહોંચી ગયા હતા. ઘણા લોકોએ સવારે વહેલા ઉઠીને પહેલા મતદાનની પવિત્ર ફરજ અદા કર્યા બાદ જ રૂટિન દિનચર્યામાં કામે લાગ્યા હતા. આજે લોકોશાહીનું મહાપર્વ ઉજવવાની ઘડી આવી પહોંચી હોય આદર્શ નાગરિકની ફરજ બજાવવા માટે મતદાન શરૂ થાય એ પહેલાં ઘણા લોકોએ મતદાન મથકે કતારો લગાવી હતી.

આજે ઘણા લોકો સવારે વહેલા ઉઠી પૂજા પાઠ કર્યા બાદ નાસ્તો કે અન્ય રૂટિન કાર્ય કર્યા વગર મતદાનની પવિત્ર ફરજ અદા કરવા મતદાન મથકે પહોંચી ગયા હતા. જે રીતે સવારથી દરેક મતદાન બુથ ઉપર મતદારોની કતારો જોતા લોકોમાં દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે તેમનો મત કેટલો કિંમતી છે તેનું મૂલ્ય લોકો બરાબર સમજે છે. વૃદ્ધો, મહિલાઓ, વિકલાંગ, યુવાઓ સહિત ઘણા મતદારો આજે સવારે પહેલા મતદાન કરીને પછી જ રૂટિન કામધંધામાં જોડાયા હતા.
- Advertisement -
વૃદ્ધત્વને કોરાણે મૂકીને 93 વર્ષીય કરમશીદાદાએ પત્ની સાથે મતદાન કર્યું

મોરબીમાં આજે લોકશાહીનું પર્વ ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ટેકણ લાકડીએ ચાલતા અને અશક્ત વૃદ્ધો વહેલી સવારે ચાલીને મતદાન મથકે પહોંચી ગયા હતા જેમાં 93 વર્ષીય કરમશીભાઈ રુગનાથભાઈ દેત્રોજા અને તેમના 90 વર્ષીય ધર્મપત્ની ચંપાબેન કરમશી ભાઈ દેત્રોજાએ વૃદ્ધત્વને કોરાણે મૂકી લોકશાહીનું પર્વ ઉજવવા તેમના પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. આ વૃદ્ધ દંપતી લોકશાહીમાં સંપૂર્ણ વિકાસ હોવાથી દરેક ચૂંટણીમાં મતદાનની ફરજ નિભાવે છે અને આજે પણ મતદાન કરીને દરેક નાગરિકને મતદાન કરવાનો મેસેજ આપ્યો હતો.
પેરાલિસિસના દર્દીએ વ્હીલચેરમાં આવીને મતદાન કરી ફરજ બજાવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન મોરબી સહિતના જિલ્લાઓમાં આજે ચાલી રહ્યું છે ત્યારે મોરબીમાં પેરાલિસિસના દર્દીએ વ્હીલચેરમાં મતદાન બુથ પર પહોંચી મતદાન કર્યું હતું. મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ સામાકાંઠે આવેલી શ્રેયસ વિદ્યાલયમાં પેરાલિસિસના દર્દી અશોકભાઈ પ્રેમજીભાઈ કોટકે વ્હીલચેરમાં બૂથ પર પહોંચી પોતાનો મત આપ્યો હતો.
પહેલા મતદાન પછી હસ્તમેળાપ, દહિસરામાં વરરાજાએ મતદાન કર્યું
માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા ભરતભાઇ લોખીલના આજે લગ્ન લેવાયા હતા જો કે આજે તેમના લગ્નની સાથે મતદાનનો પણ દિવસ હોવાથી આ વરરાજાએ લગ્નના ચોરીના ચાર ફેરા ફરતા પહેલા મતદાનની પવિત્ર ફરજ નિભાવી પહેલા મતદાન બાદમાં હસ્તમેળાપ વિધિ કરવા નક્કી કરી આ વરરાજાએ લગ્ન મંડપથી સીધા મતદાન મથકે પહોંચી મતદાન કરીને નિરુત્સાહ મતદારોને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.



