આજે બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાનમાં બેસતી વખતે ગાઢ એકાગ્રતા કેળવાઈ.આનું કારણ કદાચ નવ નવ રાત્રિઓની મા શક્તિની ઉપાસના પછી ઉદભવેલી ઉર્જા હોય શકે. જીવન શું છે ? મનુષ્યની જિંદગી શું માત્ર એક ‘રેટ રેસ’ છે ? માત્ર ઉંદરડાઓ વચ્ચે ચાલતી દોડવાની સ્પર્ધા છે ? મહદ્અંશે એવું જ લાગે છે.બધા જ મનુષ્યો સમૃદ્ધ થવાની સ્પર્ધામાં અંધાધૂંધ ભાગી રહ્યા છે.બધાને ધનવાન થઈ જવું છે.મોટા બંગલાઓના માલિક બની જવું છે, મોંઘીદાટ હોટલો અને રેસ્ટોરામાં ભોજન કરવું છે,વિદેશના પ્રવાસો કરવા છે અને અમાપ ભૌતિક સુખો ભોગવવા છે.આ બધું માણવા માટે જરૂરી ધન બે હાથે એકઠું કરી લેવું છે. આવુ કરવા માટે સાચી દિશા કે ખોટી દિશા વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો છે. મનુષ્યને એક વાતની ખબર નથી કે આ બધા જ ભૌતિક આનંદો ભોગવી લીધા પછી પણ ભીતરનો ખાલીપો ભરાશે નહીં. સાચુ સુખ બહાર ક્યાંય નથી.સુખનો સાગર તો આપણી અંદર જ ઘૂઘવી રહ્યો છે.જેની પાછળ દોડવા જેવું છે એ ફક્ત ઈશ્વર છે, પરમતત્વ છે,પરમ સત્ય છે. જે સિદ્ધ મહાત્માઓ જગતનો ઉદ્ધાર કરી ગયા છે, વિશ્ર્વને સાચી દિશા બતાવી ગયા છે, જેઓ ક્ષણેક્ષણે આનંદમાં રહ્યા છે, જેમને મળવા માટે વિશ્વભરના લોકો સામે ચાલીને દોડી આવતા હતા એ બધા મહાત્માઓ નિર્ધન હતા. મીરાં,નરસૈંયો કે રામકૃષ્ણ પરમહંસ પાસે ક્યું ભૌતિક સુખ હતું? જગત એમને યાદ કરે છે. શ્રી રમણ મહર્ષિ માત્ર એક કૌપિન ધારણ કરીને જિંદગી જીવી ગયા.તેઓ ક્યારેય અરુણાચલમ છોડીને ક્યાંય ગયા નહીં,આખી દુનિયા એમના ચરણોમાં ઝૂકવા માટે આવી ગઈ. આપણે ભલે ઘરબાર કે સંસાર છોડીને નીકળી ન શકીએ ,પરંતુ રૂપિયાના રણકારમાંથી ,જીભના ચટાકામાંથી ,ચામડીની વાસનામાંથી અને આંખમાં ઠલવાતા ઉકરડામાંથી અળગા રહી શકીએ અને શક્ય એટલું વધારે ઈશ્વર સ્મરણ કરીએ તો આ ઉંદરડાઓની સ્પર્ધામાંથી બચી શકીશું.
Follow US
Find US on Social Medias