18 સ્ટેશન, 7 ઓફિસમાં 519 કિલોવોટના સોલાર પ્લાન્ટમાં 4.54
લાખ યુનિટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી 27.18 લાખની બચત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
- Advertisement -
રાજકોટ રેલવે ડિવિઝનમાં આવતાં વિવિધ સ્ટેશન પર સોલાર પાવર પ્લાન્ટ લગાવી પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પ્રતિબદ્ધતા દાખવીને એક વર્ષમાં રૂ.27.18 લાખની ઊર્જા બિલમાં બચત કરી છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમાર, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ ઇજનેર રજની યાદવ દ્વારા પ્રદૂષણ અટકાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં કામ શરૂ કર્યું હતું. જે કામગીરી દરમિયાન રાજકોટ ડિવિઝનમાં આવતા વિવિધ 18 રેલવે સ્ટેશન અને રેલવે ઓફિસની 7 બિલ્ડિંગમાં કુલ 519 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા. સોલાર પ્લાન્ટથી મોટા-નાના સ્ટેશન પરના લાઇટ, પંખા, કમ્પ્યૂટર, વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ ચલાવવાનું ચાલુ કર્યું હતું.
જેને કારણે ગત વર્ષ એટલે કે 2023-24ના વર્ષમાં આ સૌર પ્લાન્ટસ દ્વારા કુલ 4,54,989 યુનિટ (કિલોવોટ) ગ્રીન એનર્જી ઉત્પન્ન થતાં રાજકોટ રેલવે ડિવિઝનને કુલ રૂ.27.18 લાખની બચત થઇ છે. આમ સોલાર પાવર પ્લાન્ટથી વીજબિલમાં મોટો તફાવત આવતા આગામી દિવસોમાં રાજકોટ ડિવિઝનના નાના સ્ટેશન પર પણ સોલાર પાવર પ્લાન્ટ લગાવી ગ્રીન અને સ્વચ્છ રેલવેની દિશામાં કામગરી કરવામાં આવશે.
અમૃત ભારત પ્રોજેક્ટ હેઠળ રાજકોટ ડિવિઝનના 15 સ્ટેશન પર વીજળી વિભાગને લગતા કામો હાલ ચાલી રહ્યા છે. જેમાં મુખ્યત્વે પ્રકાશની તીવ્રતા વધારવા, વેઇટિંગ હોલમાં એરકન્ડિશનરની જોગવાઇ, લિફ્ટ જોગવાઇ વગેરેનો સમાવેશ થાય છે. સોલાર પાવર પ્લાન્ટની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ તે કાર્યરત થતાં રાજકોટ ડિવિઝનમાં ઊર્જા બિલમાં વધુ બચત થશે.



