અરવિંદ રાજખોવાના નેતૃત્વવાળા જૂથે કરાર પર હસ્તાક્ષર કર્યા, પરેશ બરુઆના જૂથનો શાંતિ સમજૂતીમાં જોડાવા ઈન્કાર
મોદી સરકારે પાંચ વર્ષમાં પૂર્વોત્તરમાં નવ શાંતિ કરાર કરાવ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી: શાંતિ કરાર સાથે ઉલ્ફાના 700 ફાઈટરનું આત્મસમર્પણ, ઉગ્રવાદી હિંસામાં અંદાજે 10 હજારથી વધુ લોકોનાં મોત થયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ (ઉલ્ફા) અને અસમ સરકાર વચ્ચે શુક્રવારે ત્રિપક્ષીય સમજૂતી કરાર થયો છે. છેલ્લા 40 વર્ષમાં પહેલી વખત સશ ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા સાથે ભારત અને અસમ સરકાર વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. આ શાંતિ સમજૂતીથી અસમમાં દાયકાઓ જૂના ઉગ્રવાદનો અંત આવવાની આશા છે. જોકે, પરેશ બરુઆના નેતૃત્વવાળુ ઉલ્ફાનું કટ્ટરપંથી જૂથ આ સમજૂતીનો ભાગ નથી. આ જૂથે સરકાર દ્વારા રજૂ કરાયેલ સમજૂતીમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્ફાના વાટાઘાટ સમર્થ જૂથે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કેન્દ્ર અને અસમ સરકાર સાથે ત્રિપક્ષીય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, અરવિંદ રાજખોવાના નેતૃત્વવાળા ઉલ્ફા જૂથ અને સરકાર વચ્ચે 12 વર્ષની શરત વિના વાતચીત પછી આ કરાર થયા છે. ભારત સરકારે આ કરારને પૂર્વોત્તરમાં શાંતિ પ્રયાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.ઉલ્ફા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી રાજખોવા જૂથ 3 સપ્ટેમ્બર, 2011ના રોજ સરકાર સાથે શાંતિ વાટાઘાટોમાં જોડાયું હતું.
શાંતિ વાટાઘાટોના પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, મારા માટે આ આનંદની વાત છે કે આજનો દિવસ અસમના ભવિષ્ય માટે ઉજ્જવળ દિવસ છે.
લાંબા સમય સુધી અસમ અને પૂર્વોત્તરના વિસ્તારે હિંસાનો સામનો કરવો પડી રહ્યો હતો. 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી દિલ્હી અને પૂર્વોત્તર વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.