રાષ્ટ્રને તેમના સંબોધન દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે “10 મહિનામાં આઠ યુદ્ધો” સફળતાપૂર્વક સમાપ્ત કરવા પાછળ અંગ્રેજી ભાષાના ‘ટેરિફ’માં તેમના “મનપસંદ શબ્દ”નો શ્રેય આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઘટી રહેલી લોકપ્રિયતા અને આકાશને આંબી રહેલા ફુગાવા છતાં ટેરિફ અમેરિકન અર્થતંત્રને વેગ આપી રહ્યા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ સંબોધનમાં તેમણે પોતાની સરકારની સિદ્ધિઓનો પટારો ખોલતા દાવો કર્યો હતો કે તેમણે માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં 8 જેટલા યુદ્ધો અટકાવ્યા છે. ટ્રમ્પે ‘ટેરિફ’ને પોતાનો પ્રિય શબ્દ ગણાવતા કહ્યું કે ‘આ નીતિને કારણે જ અમેરિકન અર્થતંત્ર મજબૂત થયું છે.’
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ઐતિહાસિક શાંતિનો દાવો
સંબોધન દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કરતા કહ્યુ કે, ‘મેં અમેરિકન શક્તિને પુનઃસ્થાપિત કરી છે અને 10 મહિનામાં 8 યુદ્ધોનો અંત લાવ્યો છે. ગાઝામાં યુદ્ધનો અંત લાવીને તેમણે છેલ્લા 3,000 વર્ષમાં પહેલીવાર આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપી છે.’ આ ઉપરાંત ઈરાન તરફથી મળતા પરમાણુ ખતરાને દૂર કરવાનો શ્રેય પણ તેમણે પોતાની ટીમને આપ્યો હતો. જીવિત કે મૃત, તમામ અમેરિકન બંધકોને ઘરે પરત લાવવાની પ્રતિબદ્ધતા તેમણે દોહરાવી હતી.
ભારત સહિતના દેશો પર નિશાન સાધ્યું
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે અર્થતંત્ર મુદ્દે વાત કરતા ‘ટેરિફ’ પર ભાર મૂક્યો હતો. તેમણે પૂર્વ પ્રમુખ જો બાઈડેન પર પ્રહાર કરતા કહ્યું કે. ‘તેમણે વારસામાં “ગડબડ” છોડી ગયા હતા, જેને ટેરિફ દ્વારા સુધારવામાં આવી રહી છે.’
દાવો કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘કેનેડા, મેક્સિકો, બ્રાઝિલ અને ભારત સહિતના દેશો પર લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકાને અપેક્ષા કરતા ઘણો વધારે ફાયદો થયો છે. આ ટેરિફને કારણે અમે કલ્પના બહારની કમાણી કરી છે.’ તેમણે ઉમેર્યું કે વેપાર નીતિઓમાં ફેરફાર અને ટેક્સ કટના કાયદાને કારણે અમેરિકા આર્થિક રીતે સધ્ધર બન્યું છે.
યુવાઓમાં ઘટતી લોકપ્રિયતા અને ફુગાવો
એકતરફ ટ્રમ્પ પોતાની સફળતાના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ જનતાનો મૂડ કંઈક અલગ દેખાઈ રહ્યો છે. નવો રોઇટર્સ/ઇપ્સોસ પોલ દર્શાવે છે કે ટ્રમ્પની આર્થિક નીતિઓથી માત્ર 33 ટકા યુવા અમેરિકનો જ સંતુષ્ટ છે. ટેરિફને કારણે કિંમતો આસમાને પહોંચવા છતાં ટ્રમ્પે ફુગાવાને અવગણ્યો હતો, જે સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે. ટ્રમ્પે 2026 માટેના તેમના વહીવટનો એજન્ડા રજૂ કરતા સ્પષ્ટ કર્યું કે આગામી વર્ષોમાં વધુ કડક આર્થિક અને વિદેશ નીતિઓ અમલી બનાવશે.




