200 જેટલા કર્મચારીઓએ વિવિધ મુદ્દે રાજકોટ શહેર પ્રમુખ અને કમિશનરને આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બે દિવસથી સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગતરોજ આશરે 200થી 250 જેટલા કર્મચારીઓ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ઘેરાવ કરી ઉગ્ર નારાઓ લગાવવામાં આવ્યા હતા જેના અનુસંધાને આજરોજ પણ કર્મચારીઓ દ્વારા 100થી 150 લોકો દ્વારા રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી અને કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ કામદારો દ્વારા ઘેરાવ કરી પોતાના પ્રશ્ર્નોના હલ મુદ્દે વિનંતી કરતા પોતાની વ્યથા બતાવવામાં આવી હતી. કર્મચારીઓ દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે એમનું સ્વૈચ્છિક રાજીનામુ પાસ કરવામાં આવે અને એમના વારસદારોને એ જગ્યાએ પૂરતા પગાર ધોરણ સાથે કામ પર રાખવામાં આવે. અરજદાર અને વારસદાર દ્વારા ઘેરાવ કરી પોતાની માગણી અંગે રજૂઆત કરવામાં આવી હતી. અલગ અલગ મુદ્દાઓ પર આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ રદ કરો અને દીકરા કે દીકરીને સ્વેચ્છાએ કામ પર રાખવામાં આવે, અવારનવાર કર્મચારીઓને આરએમસીએ ધક્કા ખવડાવવામાં આવે છે જેના લીધે તેમને ઘણી તકલીફ ભોગવવી પડે છે અને વધુમાં કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી માગણી પૂરી નહીં થાય તો અમે આત્મવિલોપન કરવામાં પણ પાછા નહીં પડીએ.
રાજકોટ મહાનગરપાલિકાના કાયમી ધોરણે સફાઈ કર્મચારી જે રાજકોટ શહેરમાં વિવિધ સ્થળો પર સાફસફાઈની કામગીરી સતત 20 વર્ષ કે તેથી વધુ સમય ગાળા સુધી પોતાની બજાવી રહ્યા છે, જેમાં હવેના સમય ગાળામાં કામ કરી શકે તેવી સ્વાસ્થ્યમાં તકલીફ હોવાથી અરજદાર પોતે સ્વૈચ્છિક રાજીનામુ મૂકીને તેના વારસદારને નોકરીના હક્કદાર કરાવી શકે છે. તેના માટે અરજદારે સરકારી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફીકેટની કામગીરી કરવી પડે છે પરંતુ આ કામગીરીમાં અરજદાર છેલ્લા 2 વર્ષથી અરજી કરેલ હોય અને જે ખરેખર કામ નથી કરી શકતા, અને શ્ર્વાસ, ઘૂંટણ, કમર, મણકા ઘસાઈ જવા અને અમુક કેન્સર જેવી બીમારીથી પીડાય છે તેવા કેસમાં પણ આ મેડિકલ તપાસ બે વખત કરવા છતાં પણ અરજી કેન્સલ કરી દેવાય છે અને ખોટો સમય બગાડી હાલ અમુક લોકો નિવૃત્તિ સુધીના સમય પર પહોંચી ગયા તેવા અરજદારોના વારસદાર અને જે સ્વૈચ્છિક રાજીનામા માટે 109 અરજદારોએ દરખાસ્ત કરી છે તેમના રાજીનામા પાસ કરી અને વારસાગત અરજીને બહુ સમય ન લેવા મહાનગરપાલિકાના મ્યુનિ. કમિ., ડે.મ્યુનિ. કમિ. અને મેયરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.