કારકિર્દી માટે 106 સેમિનાર, 38 સ્વરોજગાર શિબિર યોજાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દી માટે માર્ગદર્શક સેમિનાર તેમજ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં વર્ષ 2024માં 33થી વધુ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3527 ઉમેદવારની વિવિધ ક્ષેત્રમાં પસંદગી થઇ છે.
- Advertisement -
ઉમેદવારો વચ્ચે બ્રિજ સમાન અનુબંધમ પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પોર્ટલ પર નોકરીદાતાઓ અને રોજગાર વાંછુકો નોંધણી કરાવી ખાલી જગ્યા પર ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. આ પોર્ટલ પર 13,340 જેટલા ઉમેદવાર નોંધણી કરાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજકોટ રોજગાર કચેરીએથી એમ્પ્લયોમેન્ટ કાર્ડ, રોજગાર ભરતી મેળા, કરિયર કાઉન્સેલિંગ સહિતની મદદ રોજગાર વાંછુક ઉમેદવારોને પૂરી પાડવામાં આવે છે.
આ અંગે રોજગાર કચેરી મદદનીશ નિયામક ચેતન દવેએ વધુમાં જણાવ્યું હતું કે, કેરિયર કાઉન્સેલિંગને લગતા ગત વર્ષે 72 સેમિનાર યોજવામાં આવ્યા હતા જેનો લાભ 5 હજાર જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. ગત વર્ષે 38 સ્વરોજગાર શિબિર યોજાઇ હતી જેમાં 500 યુવાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ રાજકોટ જિલ્લાની 100થી વધુ શાળા-કોલેજમાં કેરિયર કોર્નર કાર્યક્રમો યોજવામાં આવે છે. ગત વર્ષે રાજકોટ જિલ્લાની શાળા-કોલેજોમાં 106 એમ્પ્લોયમેન્ટ કરિયર સેમિનારનું આયોજન કરાયું હતું.