ખાસ-ખબર સંવાદદાતા
આજે રાજકોટમાં સતત ત્રીજા દિવસે રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ વિસ્તારો સહિત લીમડા ચોક, મોટી ટાંકી ચોક, પંચનાથ પ્લોટ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી વીજ ચેકિંગની કાર્યવાહીમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં અહીં 164 કરોડથી વધુની વીજચોરી પકડવામાં આવી છે, પીજીવીસીએલની ટીમ દ્વારા સતત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દરરોજ 17થી 20 લાખ રૂપિયા સુધીની વીજચોરી પકડાઇ રહી છે, સમગ્ર રિઝનમાં દર સાતમાંથી એક કનેક્શનમાં વીજચોરીની ઘટના સામે આવી રહી છે, ખરેખરમાં આ આંકડો ચોંકવનારો છે. મળતી માહિતી પ્રમાણે, પીજીવીસીએલ છેલ્લા એક વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં વીજચોરીને ડામવા માટે એક્શનમાં છે, સતત દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં દરરોજ મોટા પ્રમાણમાં વીજચોરી પકડાઇ રહી છે.