20 કલાકથી વધારે સમય લોકોને ગરમીમાં શેકાવું પડ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
મૂળી તાલુકામાં શનિવારે મોટાભાગના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદની સાથે મુશ્કેલી ફ્રી હોય તેમ પ્રથમ વરસાદે જ તાલુકાનાં ઉકરડા, ધર્મેન્દ્રનગઢ, સોમાસર, ભાડુકા, ગઢાદ સહિત 10થી વધુ ગામોમાં વીજળી ગુલ થતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મૂળી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલને લગતી સમસ્યાઓની વ્યાપક ફરિયાદ ઊઠવા પામી છે. સમગ્ર વહીવટ જાણે રામ ભરોસે ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે મોટા ભાગના તાલુકામાં ચોમાસાને લગતી કામગીરી શરૂ કરાઇ છે. અઠવાડીયે મેઈન્ટેનન્સના બહાને વીજકાપ પણ રાખવામાં આવે છે. પરંતુ તેમ છતા કામગીરી જાણે કરવા ખાતર થતી હોય તેમ લાગી રહ્યું છે. શનિવારે મોડી સાંજે આવેલા પ્રથમ વરસાદથી તાલુકાના ઉમરડા, સોમાસર, ધર્મેન્દ્રનગઢ, ભાડુકા, રામપરડા, મૂળી, ગઢાદ, ખંપાળીયા સહિતના 10થી વધારે ગામોમાં 20 કલાક સુધી વીજળી ગુલ થતા લોકોને ભારે હાલકી ભોગવવી પડી હતી. આ અંગે સ્થાનિકો કનુભાઇ, રાકેશભાઇ, જયદેવભાઇ સહિતનાઓએ જણાવ્યું હતું કે મૂળીમાં પ્રથમ વરસાદેજ મોટા ભાગના ગામોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. આ અંગે કાર્યપાલક ઇજનેર જેઠવાભાઇએ જણાવ્યું હતું કે શનિવારે આવેલ ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. વિવિધ ટીમો દ્વારા કામગીરી ચાલી રહી છે. ઝડપથી વીજ પુરવઠો મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ.