લાપરવાહ વીજતંત્રને કરોડોની કમાણી કરી આપતો સિરામિક ઉદ્યોગ ઙૠટઈક સામે લાચાર !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક ઝોનમાં પ્રથમ વરસાદે જ પાવર કટ ઝીંકવામાં આવતા સિરામિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના વીજતંત્રને સૌથી વધુ કમાણી કરી આપતા સિરામિક ઉદ્યોગને મોરબી પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારીને પાપે કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે.
- Advertisement -
પીજીવીસીએલએ અગાઉ પ્રિ મોન્સુન મેન્ટેનન્સ પણ કર્યું હતું તેમ છતાં કારણ વગર વીજતંત્ર સિરામીક ઝોનમાં પાવર કાપી નાખતું હોવાથી ઉદ્યોગકારોને પોતાના સિરામિક યુનિટ 24-24 કલાક સુધી બંધ કરવાની નોબત આવી છે જોકે ઉદ્યોગ ચાલુ રાખવા ઉદ્યોગકારોએ મોંઘાભાવનું ડીઝલ બાળી જનરેટર મારફતે કારખાના ચાલુ રાખવા પડતા હોય આ સમયમાં ડીઝલ જનરેટરમાં પણ ઉધોગોની કમર તોડી નાંખે તેટલો ખર્ચો ચડતો હોય છે.
મોરબી પંથકમાં હજુ તો ચોમાસું જામ્યું ય નથી ત્યાં મોરબીના સિરામિક ઝોનમાં વીજતંત્ર દ્વારા પાવર કાપી નાખવામાં આવતા ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો છે. વીજળીના ધાંધિયા અંગે બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરાઈથી જવાબ આપતા હોવાનો ઉદ્યોગકારોનો આક્ષેપ છે અને તેના કારણે ઉદ્યોગોને મોટી નુકશાનીનો ભોગ બનવુ પડે છે.
મોરબીના ઔદ્યોગિક ઝોનમાં 80 % થી વધુ ક્ધટીન્યુ પ્રોસેસ કરતી ફેકટરીઓ છે અને પીજીવીસીએલને સારી એવી કમાણી મોરબીનો સીરામીક ઉદ્યોગ કરાવે છે ત્યારે તંત્રએ પ્રિમોન્સુન કામગીરી કરી હોવા છતાં પણ આ રીતે લોડશેડિંગ સહેવું પડે તે ઉદ્યોગોને હવે કોઈ પણ કાળે પોસાય તેમ નથી. વીજતંત્રના અધિકારીઓ દર વખતે સ્ટાફ ઓછો હોવાના બહાના કાઢીને જવાબ આપી દે છે ત્યારે મોરબીના સિરામીક ઉદ્યોગોમાંથી કરોડોની કમાણી કરતા પીજીવીસીએલ દ્વારા મોરબીમાં સ્ટાફની અછત કેમ રાખવામાં આવે છે ? કે પછી અધિકારીઓ જ આરામ કરવામા વ્યસ્ત છે તે પણ એક મોટો પ્રશ્ન છે.