ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવી હોય તો 20 એપ્રિલ પહેલા મુખ્યમંત્રીએ રાજીનામુ આપવું પડે
ભાજપ દ્વારા કરેલા સર્વેમાં હાલ જો ચૂંટણી યોજાય તો પક્ષને ખૂબ જ ઓછી બેઠકો મળે તેવી શક્યતા
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તેના નિયત સમય ડિસેમ્બરમાં યોજાવાને બદલે મે કે જૂનમાં યોજાય તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી પરંતુ હવે આ ચૂંટણીઓ ડિસેમ્બર-202રમાં જ યોજાશે એવા સ્પષ્ટ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યાં છે. આ મુજબ જો રાજય સરકારે વહેલી ચૂંટણી યોજવી હોય તો 20મી એપ્રિલ પહેલાં મુખ્યમંત્રીએ રાજયપાલ સમક્ષ સરકારનું રાજીનામું આપવું પડે. ત્યારબાદ રાજ્યપાલ દ્વારા રાજય સરકારના રાજીનામા અંગે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરવી પડે. આ તમામ પ્રક્રિયા દરમિયાન વધુમાં વધુ 7 દિવસ અને ઓછામાં ઓછા પ દિવસ લાગી શકે છે. હાલની સ્થિતિએ ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમોને જોતા એવાં કોઈ સંજોગો દેખાતા નથી કે, રાજય સરકાર રાજીનામું આપીને વિધાનસભાનું વિસર્જન કરે અર્થાત હવે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી નહીં પણ તેના ડિસેમ્બર-202રના નિયત કાર્યક્રમ મુજબ જ યોજાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત સરકારના રાજીનામા બાદ ત્રણ દિવસ સુધી આ સંદર્ભે ચર્ચા-વિચારણા કરીને ગુજરાતના ચૂંટણી પંચના એકમ પાસેથી આવી પડનારી ચૂંટણી સંદર્ભની તૈયારીઓનો અહેવાલ મંગાવે, આ અહેવાલ કેન્દ્રીય ચૂંટણી પંચને મળ્યા બાદ ગુજરાતમાં એક તબક્કામાં કે બે તબક્કામાં ચૂંટણી યોજવી ? તેનો નિર્ણય લઇને ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરે, આ પહેલા રાષ્ટ્રપતિ દ્વારા રખેવાળ સરકાર તરીકે હયાતને જયાં સુધી નવી સરકાર અસ્તિત્વમાં ના આવે ત્યાં સુધી કાર્યભાર સંભાળવાની અપીલ કરાય. હવે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતા ઓછામાં ઓછા 10 થી 15 દિવસનો ગાળો નીકળી જાય. જો કેન્દ્રીય ચૂંટણી પંચ જૂનના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજવાનું નક્કી કરે તો ચૂંટણી પંચ દ્વારા મે માસના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું પડે.
- Advertisement -
આ જાહેરનામું બહાર પડયા બાદ 10 દિવસનો સમય ઉમેદવારી પત્ર ભરવાથી માંડીને પરત ખેંચવા અને ચકાસણી માટેનો હોય છે ત્યારબાદ 14 દિવસનો સમય પ્રચાર માટે આપવો પડતો હોય છે. આ બધી ગણતરી મુકીએ તો મે મહિનો આખો પુર્ણ થી જાય અને ત્યારબાદ જૂનની 15મી તારીખ સુધીમાં તો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું થઈ જતું હોવાથી 15મી જૂન બાદ કોઈપણ સંજોગોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવી સંભવ નથી એટલે હવે તે લગભગ નિતિ છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી નહીં પણ સમયસર યોજાશે. એક માહિતી મુજબ તાજેતરમાં ભાજપ દ્વારા એક આંતરિક સર્વે કરાયો હતો. જે મુજબ રાજયમાં હાલ જો ચૂંટણી યોજાય તો ભાજપને ખૂબ જ ઓછી બેઠકો મળે તેમ છે.