પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણી, વિધાનસભામાં કોંગ્રેસ શૂન્ય હોઇ આ બેઠક કોંગ્રેસના હાથમાંથી જવાનું નિશ્ચિત, પરંતુ ભાજપ….. .
રાજ્યસભાની ચુંટણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. રાજ્યસભામાં જુલાઈ અને ઓગસ્ટમાં 10 બેઠકો ખાલી પડી રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ’બ્રાયન (પશ્ચિમ બંગાળ) સહિત અન્ય નેતાઓની મુદ્દત પૂરી થઈ ગઈ છે. આ સાથે જેમની મુદત પૂરી થઈ રહી છે તેમાં ગોવાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલસિંહ લોખંડવાલા અને દિનેશચંદ અનાવડિયા, TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને પશ્ચિમ બંગાળના સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.
- Advertisement -
રાજ્યસભાની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાઓના અંકગણિત પર નજર કરીએ તો ગુજરાતમાંથી ભાજપના ત્રણ સભ્યોની ચૂંટણી નિશ્ચિત માનવામાં આવે છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરનો પણ સમાવેશ થાય છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 157 સભ્યો છે. જો વોટિંગની વાત કરવામાં આવે તો એક સીટ જીતવા માટે 46 વોટની જરૂર પડશે. ત્રણેય બેઠકો જીતવા માટે 138 મતની જરૂર પડશે. આવી સ્થિતિમાં ભાજપ ફરી ત્રણેય બેઠકો જીતશે તે નિશ્ચિત છે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 20 છે અને ત્રણ અપક્ષો પણ ભાજપ સાથે છે. મત-ગણિત મુજબ ગોવાની બેઠક પણ ભાજપને જવાનું નિશ્ચિત છે. એટલે કે ભાજપ આ વખતે પોતાની ચારમાંથી ચાર બેઠકો જાળવી રાખશે.
પશ્ચિમ બંગાળનું શું છે રાજકીય ગણિત ?
પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણી છે, જેમાં કોંગ્રેસના પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પૂરો થવાને કારણે એક બેઠક ખાલી પડી રહી છે. વિધાનસભામાં કોંગ્રેસ શૂન્ય છે, આવી રીતે આ બેઠક કોંગ્રેસના હાથમાંથી જવાનું નિશ્ચિત છે. બંગાળ વિધાનસભામાં 294 સભ્યો છે અને કોઈપણ ઉમેદવારને રાજ્યસભામાં પહોંચવા માટે 43 ધારાસભ્યોના મતની જરૂર પડશે.
એક બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. તે પછી પણ પાર્ટી પાસે 34 ધારાસભ્યોના વોટ હશે. જ્યારે ટીએમસીને પાંચ સીટો જીતવા માટે 215 વોટની જરૂર પડશે. ટીએમસીના કેટલાક ધારાસભ્યો જેલમાં છે. આવી સ્થિતિમાં ટીએમસી પાંચમી બેઠક બચાવવા માટે જરૂરી મતોના અંકગણિતમાં થોડા તફાવતથી પાછળ હોય તેવું લાગે છે. જો ભાજપ બે ઉમેદવારોને મેદાનમાં ઉતારશે તો મુકાબલો રસપ્રદ બની શકે છે.
- Advertisement -
હાલમાં ભાજપ રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી છે. તેના 93 સભ્યો છે. કોંગ્રેસ 31 બેઠકો સાથે બીજા નંબર પર છે. ટીએમસી પાસે 12 સાંસદ છે. 10 બેઠકો પર ચૂંટણી પછી રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ એક બેઠકના ફાયદા સાથે 93 થી 94 પર પહોંચી જશે અને કોંગ્રેસ એક બેઠકના નુકસાન સાથે 31 થી 30 બેઠકો પર આવી જશે.