નિયમિત યોજાતી 33 જિલ્લા પંચાયત, 6 મહાપાલિકાઓની સાથે 9 નવા કોર્પોરેશનની ચૂંટણીઓથી ‘મિની ધારાસભા’ ચૂંટણી જેવો માહોલ: જિલ્લા બેંકો, સહકારી ડેરીઓ સહિતની સહકારી ચૂંટણીઓ મારફત ‘રાજકીય કદ’ વધશે-કપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત એ તહેવારપ્રિય રાજય છે અને ઓગષ્ટથી ઓકટોબર-નવેમ્બર સુધી એક બાદ એક તહેવારોની ધૂમ રહે છે તો બાદમાં અને ખાસ કરીને ઓકટોબર અંતથી જ રાજયમાં રાજકીય પારો પણ શિયાળામાં ઉંચો રહે તેવી ચૂંટણીઓમાં રાજ્ય વ્યસ્ત થઈ જાય છે અને હાલ રાજયમાં લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય અનિશ્ર્ચિતતાના વાતાવરણ વચ્ચે પણ મોટી પોલીટીકલ-ઈફેકટ સર્જી શકતી એક બાદ એક ચુંટણીઓનું પ્લેટફોર્મ તૈયાર થવા લાગ્યુ છે.
ડિસેમ્બર માસ સુધી ચૂંટણીઓ ગાજતી રહેશે તેવી સ્થિતિ છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં જે ‘મીની-ધારાસભા’ પણ ગણાય છે તેની વર્ષના અંત સુધીમાં યોજાનારી ચુંટણીઓ પુર્વે વિવિધ સહકારી સંસ્થાઓની ચુંટણીઓ ત્યારબાદ આવનારી જીલ્લા પંચાયત- ઉપરાંત નવ જે નવી મહાનગરપાલિકા ચુંટણીઓ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર સહિત 6 વર્તમાન મહાનગરપાલીકાઓની ચુંટણીઓ યોજાવાની છે. રાજ્યની વર્તમાન ભુપેન્દ્ર પટેલ સરકાર જયારે હવે ત્રણ વર્ષ પુરા કરી રહી છે અને તેથી સરકારની કામગીરીનો પણ પડઘો આ ચુંટણીમાં થશે. ખાસ કરીને હજું ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને પુરા સંગઠન માળખા અંગે અનિશ્ર્ચિતતા છે અને મંત્રીમંડળ વિસ્તરણ મુદે પણ ‘થોભો’ અને ‘રાહ’ જુવોની સ્થિતિ છે. તેમાં એક વખત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ આવી જાય તો મોટાભાગે ગુજરાત ભાજપે તેના ‘જોર’ પર લડવું પડશે. પક્ષનું મોવડીમંડળ આ સમયે બિહારની ધારાસભા ચુંટણીઓ જે ઓકટોબર-નવેમ્બરમાં યોજાવાની છે તેમાં હાલથી જ વ્યસ્ત છે અને અન્ય મહત્વના એજન્ડા પણ છે તેથી ગુજરાત ભાજપ પણ હવે આગામી દિવસોમાં સક્ષમ હાથમાં સોપાય અને તેનીજ ટીમ પણ તેમને આપવી જરૂરી બનશે. હાલના પ્રમુખ સી.આર.પાટીલ જે રીતે તેમના વધારાના કાર્યકાળમાં હવે ઔપચારીક ફરજો બજાવે છે તેથી નવા પ્રમુખને માટે પદ સંભાળતા જ વ્યસ્ત સમય સાથે સૌથી મહત્વનું સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપનો હાલનો દબદબો યથાવત રહે તે જોવાનું રહેશે. રાજયમાં આમ આદમી પાર્ટીના પ્રવેશ બાદ ખાસ કરીને વિસાવદર જીતથી પક્ષને નવો જુસ્સો મળ્યો છે. તે હવે સ્થાનિક ચુંટણીમાં તેની તાકાત વધારશે તો કોંગ્રેસ પણ ફરી બેઠી થવા પ્રયાસ કરી રહી છે અને તેણે ગુમાવવા જેવું ભાગ્યે જ બચ્યુ છે અને તેથી તે પોતાના માટે વધુ મજબૂત સ્થિતિ 2027ની ધારાસભા ચૂંટણી પુર્વે બનાવવા માંગે છે.