પંચના આદેશ છતા બદલીઓ અંગે રિપોર્ટ ન થતા બંને ટોચના અધિકારીઓને તાત્કાલીક પંચને જવાબ આપવા જણાવાયું: હજુ અનેક અધિકારીઓ ત્રણ વર્ષથી વધુ એક જ સ્થળે ફરજ બજાવતા હોવાનો મુદ્દો પંચ સમક્ષ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા બદલીઓના એક બાદ એક ઓર્ડર કરવામાં આવી રહ્યા છે તે સમયે ચૂંટણી પંચ દ્વારા અગાઉ અપાયેલા આદેશ મુજબ આ બદલીઓના તથા પોસ્ટીંગના ઓર્ડર અંગે પંચને કોઇ રિપોર્ટ ન કરાતા ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બંનેને સમન્સ કર્યા છે.
- Advertisement -
ચૂંટણી પંચના આદેશ મુજબ ગૃહ જિલ્લા કે શહેરમાં ફરજ બજાવતા અને છેલ્લા ચાર વર્ષથી જે અધિકારી સતત ત્રણ વર્ષ એક જ જિલ્લામાં ફરજબજાવતા હોય તેની ટ્રાન્સફર કરી દેવાનું જરુરી છે અને આ અંગેના રિપોર્ટ ચૂંટણી પંચને નિયમિત મોકલવાના રહે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઇ રિપોર્ટ નહીં મોકલતા આજે રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર અને ડીજીપી આશિષ ભાટીયા બંને પાસે ચૂંટણી પંચે તાત્કાલીક રિપોર્ટ કરવા આદેશ આપ્યો છે. રાજ્યમાં આજે ડીવાયએસપી અને મામલતદારની બદલીના ઓર્ડર આપ્યા છે.
પરંતુ પોલીસ તંત્રમાં રેન્જ આઈજી સહિત અનેક પદો પરના અધિકારીઓ જે તે જિલ્લા અથવા રેન્જમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે. માનવામાં આવે છે કે આગામી એક કે બે દિવસમાં પણ તેના ઓર્ડર નીકળશે પરંતુ અગાઉના ઓર્ડરો અંગે ચૂંટણી પંચને કોઇ રિપોર્ટ ન કરાતા રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને તાત્કાલીક આ અંગે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે.
હજુ ચાલુ માસના અંત સુધીમાં વધુ કેટલીક બદલીઓ પણ થશે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક બદલીઓના આદેશમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યા છે તેનો રિપોર્ટ પણ ચૂંટણી પંચને કરવો પડશે.