લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો અને રાજ્યસભાના સભ્યો સંસદીય દળની બેઠકમાં હાજરી આપશે, બેઠકમાં લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતાની ચૂંટણી પર પણ વિચારણા થઈ શકે
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ હવે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાશે. મહત્વનું છે કે, આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શન પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. માહિતી પ્રમાણે વર્કિંગ કમિટીની બેઠક 11 વાગ્યે મળશે અને સંસદીય દળની બેઠક સાંજે 5:30 વાગ્યે બોલાવવામાં આવી છે. લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો અને રાજ્યસભાના સભ્યો સંસદીય દળની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતાની ચૂંટણી પર પણ વિચારણા થઈ શકે છે. કોંગ્રેસ સંસદીય દળના નેતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા હશે.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી ફરી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ શકે છે. આ પછી તે વિપક્ષના નવા નેતાની પસંદગી કરશે. કોંગ્રેસના ઘણા નેતાઓએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા રહે તેવી શક્યતા છે.
જાણો શું કહ્યુ જયરામ રમેશે ?
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આવતીકાલની બેઠકોનું શેડ્યૂલ નીચે મુજબ છે. સવારે 11 કલાકે હોટલ અશોક ખાતે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળશે. જે બાદ બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ થશે. સાંજે 5:30 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં (બંધારણ ગૃહ) તમામ નવા ચૂંટાયેલા લોકસભા સભ્યો અને રાજ્યસભાના સભ્યોની કોંગ્રેસ સંસદીય દળની બેઠક મળશે. તેમણે માહિતી આપી હતી કે હોટેલ અશોક ખાતે વિસ્તૃત CWC અને CPP સભ્યો માટે રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતી છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 52 બેઠકો જીતી હતી.
- Advertisement -
નોંધનિય છે કે, કોંગ્રેસ ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા મતવિસ્તારોમાં ધન્યવાદ યાત્રા કાઢશે. કોંગ્રેસનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશના જવાબદાર નાગરિકો અને મતદારોએ આ દેશના બંધારણ અને લોકતંત્રને બચાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવી છે તે બદલ અમે તેમને ધન્યવાદ યાત્રામાં સન્માનિત કરીશું.