હત્યા કરી નાસી છૂટે તે પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે કુવાડવા પાસેથી આરોપીને ઝડપી લીધો
નશામાં હુમલો થતાં પતિ ભાગી ગયો, પરત આવ્યો તો પત્નીની લાશ મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા જીયાણામાં વાડીમાં ખેતમજૂરી કરતાં પ્રૌઢાને કુહાડાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી જ્યારે તેના પતિને ઇજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. દંપતી અને તેના પરિચિત યુવકે સાથે દારૂનો નશો કર્યા બાદ પ્રૌઢા સાથે શરીર સંબંધ બાંધવાના મુદ્દે માથાકૂટ થતાં યુવકે પ્રૌઢાને તેના પતિની નજર સામે મોતને ઘાટ ઉતારી દીધા હતા પોલીસે આરોપીનિ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અગલગોટાના માંફીધાર ફળિયાના વતની અને છેલ્લા એક વર્ષથી જીયાણામાં મનસુખભાઇની વાડી વાવતા લખડિયા માંગલિયા પછાયા ઉ.60એ હત્યાની ઘટના અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.5ની રાત્રીના પોતે તથા તેની પત્ની જમકુબેન ઉ.55 વાડીએ પતરાંવાળી ઓરડીમાં સૂતા હતા ત્યારે કોઇ અજાણ્યો શખ્સ ઓરડીમાં ધસી આવ્યો હતો અને પોતાના પર ધારિયાથી હુમલો કર્યો હતો. હુમલો થતાં પોતે લોહીલુહાણ થઇ ગયો હતો અને જીવ બચાવી ભાગવા જતાં દીવાલ સાથે અથડાયો હતો પોતે ભાગતો હતો ત્યારે તેની પત્ની જમકુબેન ‘મને ન મારો’ તેવી બૂમો પાડતી હતી. લખડિયા જીવ બચાવીને નજીકમાં આવેલી વાડીએ પહોંચ્યો હતો અને ત્યાંથી ફોન કરતાં તેના શેઠ મનસુખભાઇ સહિતના આવી ગયા હતા. વાડીએ પહોંચતા જ પત્ની જમકુબેન મૃત હાલતમાં મળી આવી હતી અને ઓરડીમાં લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ આઇ.એન. સાવલિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પ્રૌઢા જમકુબેનની હત્યા અંગે ફરિયાદ નોંધાઈ હોય પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, પીઆઇ ડામોરની આગેવાનીમાં જુદી જુદી ટીમો દોડાવવામાં આવી હતી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો હત્યાને અંજામ આપી નાસી છૂટેલો તેના જ વતનનો કિશન તેરસિહ મેડા કુવાડવા પાસે હોવાનું અને ભાગવાની પેરવી કરતો હોવાની સચોટ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. ત્યારબાદ મૃતકના પતિ લખડિયાએ કહ્યું હતું કે, આરોપી કિશન મેડાએ પ્રૌઢા જમકુબેન સાથે શરીરસંબંધ બાંધવાનું કહી તેની સાથે બળજબરી કરી હતી. જમકુબેન અને લખડીયાએ પ્રતિકાર કરતાં આરોપી કિશન મેડાએ બંને પર કુહાડાથી હુમલો કર્યો હતો અને જમકુબેનનું કાસળ કાઢી નાખ્યું હતું પકડાયેલ કિશન પણ ત્રણ સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.
પકડાયેલા હત્યારાની કબૂલાત : તું આની સાથે શરીર સંબંધ બાંધ, મેં ના કહેતા દંપતીએ મારા પર હુમલો કર્યો હતો
હત્યાના ગુનામાં ઝડપાયેલા કિશન મેડાએ પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે, તા.5ને શનિવારે રાત્રે પોતે, લખડિયા અને તેની પત્ની જમકુબેન ત્રણેએ સાથે દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ પોતે પોતાના બાઇકમાં દંપતીને તેની વાડીએ મૂકવા ગયો હતો વાડીએ ફરીથી દારૂ ઢીંચ્યો હતો અને ત્યાં જમ્યા હતા. જમ્યા બાદ નશામાં ધૂત લખડિયાએ કહ્યું હતું કે, હવે પોતાનાથી કંઇ થશે નહીં તું મારી પત્ની જમકુ સાથે શરીરસંબંધ બાંધ, પ્રૌઢા જમકુબેને પણ તે બાબતે તૈયારી બતાવી હતી પરંતુ પોતે પ્રૌઢા સાથે શરીરસંબંધ બાંધવાની ના કહેતા દંપતી ઉશ્કેરાયું હતું અને તેણે કુહાડાનો ઘા પોતાને માર્યો હતો, પોતાએ પ્રતિકાર કરી લખડિયા અને તેની પત્ની જમકુબેનને પણ કુહાડાના ઘા ઝીંક્યા હતા અને બંનેને ઓરડીમાં પૂરી નાસી ગયો હતો. પોલીસે પુરાવા એકઠા કરવાની કવાયત શરૂ કરી હતી.