લોધિકાના પાળ ગામની શ્રી ગાયત્રી સ્કૂલના શિક્ષક દસ માસ પહેલાં જ નિવૃત્ત થયાં હતા
મોંઘવારી ભથ્થાના લાભ, રજાનું રોકડ સહિત કુલ 12.50 લાખ પાસ કરાવવા લાંચ માંગી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટમાં એસીબીના સફળ છટકામાં ટ્રસ્ટી અને તેનો ભત્રીજો બે લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે લોધિકાના પાળ ગામની સ્કૂલમાંથી નિવૃત થયેલા શિક્ષકના હક હિસ્સાના નીકળતા 12.50 લાખ પાસ કરવા લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી બંનેને દબોચી લીધા છે.
- Advertisement -
આ અંગે એસીબીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં રહેતાં અને પાળ ગામ નજીક આવેલ એચ.એન.ગારડી શ્રી ગાયત્રી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં શિક્ષક ગઈ તા.30-10-2024ના નિવૃત થયાં હતાં. જે બાદ તેઓને નિવૃત્તિ બાદના મોંઘવારી ભથ્થાના તફાવતના ચુકવવાની બાકી રકમ તેમજ રજાનું રોકડમાં રૂપાંતર કરી કુલ રૂ.12.50 લાખ લેવાના નીકળતાં હતાં આ રકમ મેળવવા અંગે તેઓએ અવારનવાર સ્કૂલના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખ્યાં છતાં કોઈ કાર્યવાહી ન થતાં ફરિયાદીએ ગાયત્રી એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીનો સંપર્ક કર્યો હતો મેનેજીંગ ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા ઉ.74 અને હાઈસ્કૂલના ક્લાર્ક ધરમેન્દ્ર ભાનુશંકર ખીરા ઉ.55એ સાથે મળી ટ્રસ્ટના લેટરપેડમાં તમારા તમામ બિલ બરોબર છે તેમ લખવા પેટે 3 લાખની લાંચ માંગી હતી જે બાદ રકઝકના અંતે 2 લાખમાં નક્કી થયું હતું જો કે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી તેઓએ તુરંત રાજકોટ શહેર એસીબીનો સંપર્ક સાધ્યો હતો. જેથી એસીબી પીઆઈ આર.આર.સોલંકી અને ટીમે ટ્રેપ ગોઠવી હતી. જેમાં આરોપીઓએ પોતાના વાણીયાવાડીમાં આવેલ મકાને લાંચ લેવાં બોલાવ્યા હતાં અને લાંચ 2 લાખ સ્વીકારતાં જ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા અને ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરાને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધાં હતાં.
બંને શખ્સોની ધરપકડ બાદ સુરેન્દ્રનગર એસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી બંને આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ આદરી છે ઉલ્લેખનીય છે કે, આરોપી 74 વર્ષીય ગુણવંતરાય ખીરા અને ધર્મેન્દ્ર ખીરા સગા કાકા ભત્રીજા થાય છે બંનેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.