ભારતીય વાયુસેના-ઈજિપ્તની વાયુસેનાનો સંયુક્ત યુદ્ધાભ્યાસ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય વાયુસેનાના મિગ-29 વિમાનો હાલમાં ઈજિપ્તની વાયુસેનાના વિમાનો સાથે ઈજિપ્તના આકાશમાં સંયુક્ત યુધ્ધાભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે હવામાં જ ઈંધણ ભરી શકતા આઈએલ-78 પ્રકારના બે વિમાનો, બે સી-130 માલવાહક વિમાનો અને બે સી-17 માલવાહક વિમાનો અને 150 સૈનિકોની ટુકડી પણ આ કવાયતમાં ભારત તરફથી ભાગ લેવા માટે પહોંચી છે. આ સૈન્ય અભ્યાસમાં અમેરિકા, ગ્રીસ, કતારની વાયુસેના પણ ભાગ લઈ રહી છે. જેની શરૂૂઆત 27 ઓગસ્ટથી થઈ છે અને 16 સપ્ટેમ્બર સુધી આ કવાયત ચાલુ રહેવાની છે. બીજી તરફ ઈજિપ્તે ભારત પાસેથી 20 તેજસ એમકે-1 એ પ્રકારના ફાઈટર જેટસ ખરીદવામાં રસ બતાવ્યો છે. આમ ફિલિપાઈન્સ, વિયેતનામ બાદ વધુ એક દેશ મેક ઈન ઈન્ડિયા હથિયારો તરફ પોતાનો ઝુકાવ દેખાડી રહ્યો છે. સાથે સાથે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે પણ ઈજિપ્ત વાટાઘાટો કરી રહ્યુ છે. આમ ઈજિપ્ત સાથે આગામી દિવસોમાં ભારતની વ્યૂહાત્મક ભાગીદારી વધારે મજબૂત બને તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. 60ના દાયકામાં પણ બંને દેશોએ એરો એન્જિન અને વિમાન ડેવપલ કર્યા હતા અને તે સમયે ઈજિપ્ત અને ભારતના પાયલોટોએ સાથે ટ્રેનિંગ લીધી હતી.