ખાસ-ખબર સંવાદદાતા
શહેરના હેમુ ગઢવી હોલ પાછળ ઈંડાંની લારીએ રવિવારે રાત્રે કેટલાક શખ્સોએ લારીમાં તોડફોડ કરી લારી સંચાલકના 12 વર્ષના પુત્રને બેરહેમીથી માર માર્યો હતો, આ મામલામાં ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ સામે પણ આક્ષેપ થયા હોય કમિશનરે કોન્સ્ટેબલની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બદલીનો હુકમ કર્યો હતો.
હેમુ ગઢવી હોલ પાછળ ઈંડાંની લારી ધરાવતા રજાકભાઇ પીપરવાડિયા રવિવારે રાત્રે પોતાની લારીએ હતા ત્યારે ગજુભા પરમાર, યુવરાજસિંહ જાડેજા સહિતના શખ્સો આવ્યા હતા અને પોતાનો ઓર્ડર પહેલા લઇ લેવાનું કહી ધમાલ મચાવી હતી, લારીમાં તોડફોડ કરવા ઉપરાંત રજાકભાઇના 12 વર્ષના પુત્ર હૈદરને 14 ધોકા ફટકાર્યા હતા, સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. ઘટનાની રાત્રે રજાકભાઇએ આક્ષેપ કર્યો હતો કે, ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા ધમભા ઝાલાએ ધમાલ મચાવી હતી અને ગજુભા સહિતના શખ્સો પોલીસમેનની હૂંફથી મારકૂટ કરી હતી.
- Advertisement -
ડીસીપી ડો.ગોહિલે સોમવારે ભોગ બનનાર રજાકભાઇ પીપરવાડિયાનું નિવેદન લીધું હતું અને તેમાં લારીધારકે પોતાના પર પોલીસમેને ત્રાસ ગુજાર્યો હતો તે અંગે સમગ્ર હકીકત વર્ણવી દીધાનું સૂત્રોએ જણાવ્યું હતું, જેના પગલે મંગળવારે ધમભા ઝાલાની ક્રાઇમ બ્રાંચમાંથી એરપોર્ટ પોલીસમથકે બદલી કરી નાખવામાં આવી હતી.