વીમાની રકમ-એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર-સિકયોરિટી સ્ટાફમાં બમણો વધારો: રાત્રે 11.30 વાગ્યે એન્ટ્રી બંધ
વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી લોકમેળા અમલીકરણ સમિતિની બેઠક
- Advertisement -
સ્ટોલની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો: અવાજની માત્રા પર દેખરેખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આગામી તા.24 થી તા.28 ઓગસ્ટ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનાર લોકમેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. લોકમેળાનું વિમાકવચ રૂપિયા 7.50 કરોડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકમેળા અમલીકરણ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. તેમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. તેમજ એમ્બ્યુલન્સ, ફાયરફાઈટરોની સંખ્યા વધારવા પણ નિર્ણય કરાયો છે.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો વધુ સુરક્ષિત અને સગવડભર્યો બને તે માટે વહીવટીતંત્ર ઝીણવટપૂર્વકની જહેમત ઉઠાવી રહયું છે.
આ વર્ષના મેળામાં સ્ટોલના ભાવમાં કોઇ પણ વધારો કરવામાં આવ્યો નથી. વીમાની રકમ ગયા વર્ષે પાંચ કરોડની હતી, જે આ વર્ષે વધારીને સાડા સાત કરોડની કરાઇ છે. ગત વર્ષની 3 એમ્બ્યુલન્સ સામે આ વર્ષે પાંચ એમ્બ્યુલન્સ અને ગત વર્ષના 3 ફાયર ફાઇટરને બદલે આ વર્ષે પાંચ ફાયર ફાઇટરની વ્યવસ્થા મેળા માટે કરાઇ છે. રોજના 100 સિકયોરિટી સ્ટાફને બદલે આ મેળામાં રોજના 125 સિકયોરિટી સ્ટાફ તૈનાત રહેશે. લોકોની અવરજવરની સુગમતા માટે સ્ટોલ્સની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરાયો છે. 11.30 વાગ્યે લોકમેળાની એન્ટ્રી બંધ કરી દેવાશે. મેળાની સફાઇ કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. મેળામાં થતા અવાજની ડેસીબલની માત્રા પર ચાંપતી દેખરેખરાખવામાં આવશે. વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવશે. સાંઢિયો પુલ બંધ હોવાથી ટ્રાફિક અને પાર્કીંગની વધુ સુગમ વ્યવસ્થા કરાશે. મેળાના પ્રત્યેક સરકારી સ્ટોલ્સના આંતરિક સંપર્ક માટે ઇન્ટરકોમ અને વોકીટોકીથી સજ્જ કરાશે.
- Advertisement -
આ ઉપરાંત, મેળાની કાયદો વ્યવસ્થા, સુરક્ષા, સીસીટીવી, સિક્યુરિટી તથા જાહેરાતોના બેનર્સ, ડ્રો તથા હરરાજી, ઈલેક્ટ્રીક લાઈટ તથા સાઉન્ડ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં, સ્ટેજ બાંધકામ, મેળામાં સફાઈ, ભાવ પત્રક નિયમન સમિતિ, પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, કર સમિતિ તથા દબાણ સમિતિના કામોની સમીક્ષા કરાઈ હતી. ઉપરાંત યાંત્રિક રાઈડની ચકાસણી માટે પણ સમિતિની રચના કરાઈ છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, ડિ.સી.પી. શ્રી બંગારવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સિંઘ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વાંગવાણી, મામલતદાર પાવરા સહિત અમલીકરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.