બંને ઇમારતોમાં લોકોની અવરજવર છતાં ગેરકાયદે શેડ મામલે કાર્યવાહી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
રાજ્યમાં કેટલાક અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકાર દ્વારા ઇમારતો પર ગેરકાયદેસર શેડ તાત્કાલિક ધોરણે હટાવવા માટે આદેશ આપી દેવાયા હતા પરંતુ સરકારના આદેશનું ઉલંઘન કરતા કેટલાક તંત્રના અધિકારીઓ આ પ્રકારના અગ્નિકાંડ સર્જવામાં જવાબદાર હોવાનું સામે આવે છે ત્યારે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આ પ્રકારે બે ઇમારત દરરોજ અનેક લોકોની અવર જવર છતાં પણ ગેરકાયદેસર શેડ યથાવત નજરે પડે છે જોકે આ બંને ઇમારતોની છત પર રહેલા ગેરકાદેસર શેડ બાબતે તંત્રના અધિકારીને રજૂઆત કરાઈ છે છતાં જુનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા એકલ દોકલ નોટિસો આપી મામલો ઠંડો પડવાના પ્રયાસ હાથ ધરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના ડોકટર હાઉસ હોસ્પિટલ ખાતે સુરતના તક્ષશીલા અગ્નિકાંડ બાદ તે સમયના તત્કાલીન ચીફ ઓફિસર રાજુભાઈ શેખ દ્વારા માત્ર નોટિસ આપી પાછળથી કોઈ કાર્યવાહી કરાઇ ન હતી જે નોટિસને પાચ વર્ષ કરતા પણ વધુ સમય વિતી ગયો પરંતુ હજુ સુધી કોઈ તંત્રનો એક પણ અધિકારી ડોકટર હાઉસના ગેરકાયદેસર શેડને ડગાવી શક્યા નથી એટલું જ નહિ પરંતુ નગરપાલિકા દ્વારા રાજકોટ TRP અગ્નિકાંડ બાદ આપેલી પ્રથમ નોટીસમાં ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલક આશિષ શાહ પોતે કબૂલ્યું છે કે તેઓની પાસે બી.યુ પરમિશન નથી છતાં વર્ષોથી ધમધમતી ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઇ નથી.
- Advertisement -
જોકે તંત્ર દ્વારા ગત 9 જુલાઈના રોજ 14 દિવસમાં હોસ્પિટલ શીલ કરવાની નોટિસ આપી હતી જેને મહિનાઓ વિતી ગયા છતાં તંત્ર માત્ર નોટિસને આપલે કરી રહ્યું છે. આ તરફ ધ્રાંગધ્રા શહેરના નવયુગ રોડ પર આવેલા આરામ ગેસ્ટ હાઉસ ખાતે પણ ગેરકાયદેસર શેડ ઊભો કરાયો હતો જેના સામે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા વાંધો રહી કરી નગરપાલિકાને લેખિત રજૂઆત કરાઈ છે પરંતુ આરામ ગેસ્ટ હાઉસના સંચાલક રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી સ્થાનિક નગરપાલિકા દ્વારા માત્ર ત્રણ દિવસની નોટિસ આપી મહિનાઓ સિટી જવા છતાં કોઈ કાર્યવાહી કરાઇ નથી આ બંને પ્રકરણમાં કોઈ પ્રકારની દાખલારૂપી કાર્યવાહી નહી થવા પાછળ સ્થાનિક ઇન્ચાર્જ જુનિયર ટાઉન પ્લાનર ઓફિસરની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે કારણ કે જુનિયર ટાઉન પ્લાનર માત્ર સમય મર્યાદા સાથેની નોટિસો આપી બાદમાં અન્ય કોઈ કામગીરી હાથ ધરતા નથી જેના લીધે સ્પષ્ટપણે અધિકારીઓ જ ગેરકાયદેસર શેડ ધરાવતી ઈમારતોને છાવરતા હોવાનું સાબિત થાય છે.