ખાસ-ખબર ન્યૂઝ ડાંગ
ડાંગમાં કોંગ્રેસ કાર્યકરોએ લોકસાહિત્યકાર રાજભા ગઢવીના વિરોધમાં નારા લગાવી પૂતળા દહન કર્યું હતું. અને જો માફી નહીં માંગે તો એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદની ચીમકી પણ આપી છે.
લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો એક પ્રોગ્રામનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેને કહ્યું હતું કે ડાંગમાં લોકો લૂંટી લે છે. આ પ્રકારની વાત કરવામાં આવતા આદિવાસી સમાજ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ તેમજ સમાજના લોકોએ રાજભાને માફી માગવાની વાત કહી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે રાજભા ગઢવીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી.
- Advertisement -
પ્રતિક્રિયા આપતા રાજભાએ કહ્યું હતું કે, બે દિવસથી આ જે કંઈ વાત ચાલે છે તેને તમે બધા જાણો છો. ખાસ કરીને વનબંધુ, આદિવાસી ભાઈઓને એવું લાગ્યું છે કે, હું આદિવાસી વિશે આવું બોલ્યો છું. લૂંટી લે છે તેવું. દુનિયાના દેશોની વાતો કરતા કરતા મે ડાંગનું નામ લીધું હતું. ક્યારેક એવી ઘટના બની હોય, મગજમાં આવી જતી હોય. એવું બનતું હોય. એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજ શબ્દ ક્યાંય નથી બોલ્યો, વનબંધુ, વનવાસી નથી બોલ્યો, હું પણ વનબંધુ છું. આની ગેરસમજ રાખીને તમને કંઇ થાય. હું તમારી લાગણીને વંદન કરું છું. તમારી મહેમાનગતિને પણ વંદન છે. હું આદિવાસી કે એવો હું નથી બોલ્યો. હજુ સુધી નથી બન્યું અને આજે આ થયું છે તેનું મને દુ:ખ છે અને તે બદલ હું દિલગીર છું.
રાજભા ગઢવીના પુતળાનું દહન કરાયું
ત્યારબાદ આજે પણ આદિવાસી વિસ્તારમાં લોકો દ્વારા રાજભાનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે તેના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું કે, રાજભા ગઢવીએ જે ડાંગ આહવાના આદિવાસી સમાજના લોકો વિશે જે વાત કરી છે. અને તેને ધૃણાસ્પદ ટીપ્પણી કરી છે. ખરેખર આખા ગુજરાતના આદીવાસી સમાજ માટે ખરાબ છે અને તેમની લાગણી દુભાઇ તે રીતની વાત કરી છે. અમે રાજભા ગઢવીની સામે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરીશું. તેમજ તેના પૂતળાનું પણ દહન કરીશું. કારણ કે આ એક વિસ્તારની વાત નથી સમગ્ર સમાજની વાત છે.