ભાનુબેન બાબરીયાએ વીર નર્મદ યુનિવર્સિટી સુરત ખાતે લાઈવ વેબિનારમાં ઉદ્બોધન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના ભાગરૂપે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટી, સુરત દ્વારા આયોજિત લાઈવ વેબિનારનું આયોજન કરાયું હતું. આ વેબિનારમાં અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દી આગળ વધારવા બાબાસાહેબના સુત્ર- ‘શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો’ ચરિતાર્થ કરવા પ્રેરાય તે માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ આ વેબિનારમાં જોડાઈને વિદ્યાર્થીઓને શિક્ષિત બનવા પ્રેરણા પૂરી પાડી હતી અને રાજ્યની વિવિધ શૈક્ષણિક યોજનાની ટૂંકી માહિતી આપતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે બાળકોની ચિંતા કરી હતી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવીને શાળાએ બાળક આવે તે માટે ઘરે ઘરે જઈ માતા-પિતાને સમજાવી બાળકને શાળાએ લઈ આવ્યા હતા અને આ શાળા પ્રવેશોત્સવની ભેખ થકી આજે ગુજરાતનું શિક્ષણ ઉંચું આવ્યું છે. આ વેબિનારમાં વીર નર્મદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર ડો. આર. સી. ગઢવી, પ્રોફેસર ડો. જયદીપ ચૌધરી, આસિ. પ્રોફેસર ડો. હીનાબેન મકવાણા તથા સોશિયલ મીડિયા મારફત જોડાયેલા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
- Advertisement -
સીએમ ભૂપેન્દ્ર પટેલ, સ્પીકર શંકર ચૌધરી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મંત્રીઓ રહ્યા હાજર, ગુજરાતમાં ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન
14 એપ્રિલે સમગ્ર દેશમાં બાબા સાહેબ ડો.આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. ત્યારે આજે ડો.આંબેડકરની 134મી જન્મજયંતીની ઉજવણી ગુજરાતના ગાંધીનગર ખાતે વિધાનસભામાં પણ કરવામાં આવી છે. તેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સ્પીકર શંકરભાઈ ચૌધરી અને સાથી મંત્રીઓએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ ડો.બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડો.આંબેડકરની 134મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.