રેખાબેન ડેર અને પ્રજ્ઞાબેન ડાંગર નામનાં શિક્ષિકા ભાગ્યે જ નોકરી પર આવે છે, અધિકારીએ તેમને ડારો દીધો તો પુજારાએ અધિકારીને ધમકાવ્યા!
સમિતિનાં કાર્યાલયમાં દરરોજ બે ડઝન શિક્ષક-શિક્ષિકાઓને બોલાવવામાં આવે છે અને આ બધાં બાળકોનાં શિક્ષણનાં ભોગે આંટાફેરા અને આશીર્વાદ કરે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે પ્રકારે સસ્પેન્ડેડ દિનેશ સદાદિયા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હતી તે જ પ્રકારે ચેરમેન વિક્રમ પુજારા દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી દાખવવાના કેટલાક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ કિસ્સાના આધારે ક્યાં પ્રકારે દિનેશ સદાદિયા જેવા કામચોર શિક્ષકોને વિક્રમ પુજારા દ્વારા છાવરવામાં આવે છે તેની હકીકત પણ બહાર આવી છે.
વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો શિક્ષણ સમિતિના કાર્યાલયમાં દરરોજ આશરે એક ડઝન જેટલા શિક્ષકોને બોલાવવામાં આવે છે. આ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણવવાની જગ્યાએ શિક્ષણ સમિતિએ જઈ આંટાફેરા કરે છે અને કોઈ કામકાજ કર્યા વિના પડ્યાપાથર્યા છે. આમાંથી મોટાભાગમાં શિક્ષકો દિનેશ સદાદિયા જે શિક્ષક સંઘનો પ્રમુખ છે તે મંડળના સભ્યો છે. જે પ્રકારે આ શિક્ષકો શાળામાં બાળકોને ભણાવવાથી ભાગે છે તે પ્રકારે શિક્ષણ સમિતિની કચેરીએ આવીને પણ કોઈ કામ કરવાથી હાથ ઊંચા કરી નાખે છે.
ચેરમેન પુજારા નેતાઓને ખુશ રાખવાના કાર્યક્રમો કરવામાં અને પછી કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરાવી મસમોટી મલાઈ તારવી લેવાની વૃત્તિ ધરાવતા હોવાનું ચર્ચાય છે અને કહેવાય છે કે, એટલે જ શાળાઓમાં પણ ધ્યાન આપતા નથી. તેથી કેટલાક શિક્ષકો ફરજના સમય દરમિયાન ઘેરહાજર હોય છે. શાળા નં.44માં શિક્ષક રેખાબેન હદાભાઈ ડેર જે બદલી કરીને આવ્યા ત્યારથી ચૂંટણી ઓર્ડરમાં બહાને કે યેનકેન કારણોસર વિદ્યાર્થીઓને ભણાવવા આવતા જ નથી. આવું જ કંઈક પૂર્વ મેયરના પત્ની એવા શાળા નં.85ના શિક્ષક વાળા પ્રજ્ઞાબેન સામંતભાઈ ડાંગરનું છે. પૂર્વ મેયરનાં પત્ની ભાગ્યે જ શાળાએ વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે. એટલું જ નહીં તેઓને આ મામલે ઉપરી અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યો ત્યારે ચેરમેન વિક્રમ પુજારાએ અધિકારીને ફોન પર મેયરના પત્ની મામલે ચૂપ રહેવા સૂચના આપી હતી. આવી જ રીતે સ્કૂલ નં. 33ના શિક્ષક રણજીત ગોહિલ લાંબાસમયથી ચૂટણી કામગીરીમાં રોકાયા હોય સ્કૂલે જતા નથી.
- Advertisement -
આમ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા દ્વારા પોતાના લાગતાવળગતા શિક્ષકોને છાવરી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે એટલું જ નહીં પરંતુ શિક્ષકોની સરકારી શાળાઓમાં ગેરહાજરીના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. ચેરમેન તરીકે વિક્રમ પુજારા નિષ્પક્ષ અને તટસ્થ બની સૌ શિક્ષક માટે સમાન વ્યવહાર કરે અને શિક્ષણના હિતમાં કાર્ય કરે એ જરૂરી બની ગયું છે. જો હવે વિક્રમ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા ન કરી શકતા હોય તો તેમને પણ તેમના જોડીદાર દિનેશ સદાદિયાની જેમ પદ પરથી હટાવવા જોઈએ એવી માંગ પ્રામાણિક શિક્ષકોમાં ઉઠી છે.
મુકેશ દોશીના રાજમાં વિક્રમ પુજારાએ ખૂબ જલસા કર્યા!
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી માટે વિક્રમ પુજારાએ પોતાની શિક્ષણ સમિતિની ગાડી ફાળવી દીધી હતી. આટલું ઓછું હોય તેમ વિક્રમ પુજારા આખો દિવસ ભાજપ કાર્યાલય પર જ જોવા મળતા હતા. શિક્ષણ સમિતિ કે શૈક્ષણિક કાર્યમાં વિક્રમ પુજારાને અગાઉથી જ રસ ઓછો હતો તેથી તેઓએ મુકેશ દોશી જ્યારે ભાજપ પ્રમુખ હતા ત્યારે ખૂબ જલસા કરેલા હતા. જોકે હવે મુકેશ દોશીની જેમ ક્યાંક પોતાનું પણ પદ જશે તેવા ડરથી વિક્રમ પુજારા પરાણે શિક્ષણ સમિતિની કચેરીએ બેઠેલા જોવા મળે છે પરંતુ કમનસીબે તેઓ શિક્ષણ સિવાયના બાંધકામ જેવા કામોમાં જ રસ દાખવી રહ્યા
છે.