રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એટલે મહાકાય કૌભાંડોનું ઘર
શાળા નં. 5, 11, 28, 72, 78, 92, 64-B અને 23 જેવી સ્કૂલો પાડીને નવી કરવાની કશી જ જરૂરત ન હતી
- Advertisement -
જ્યાં જરૂર ન હતી તેવી શાળાઓમાં નવા રૂમ ખડક્યા: પૂરી સવાસોની સંખ્યા પણ ન હોય તેવી સ્કૂલ પાડીને નવી કરવા પાછળ પ્રયોજન શું?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડ બાદ બાંધકામ કાંડના કારણે વધુ એક ચેરમેનનો ભોગ લેવાઈ તેવી આશંકા સેવાઈ રહી છે. શિક્ષણ સમિતિના ચેરમેન પુજારા દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને જરૂરી ન હોય તેવી એકઅડધો ડઝનથી વધુ સ્કૂલને પાડીને નવી બનાવવામાં આવી છે આ સિવાય અડધો ડઝન જેટલી સ્કૂલમાં નવા રૂમ બનાવી દેવાયા છે. આ કરોડોના બાંધકામ કાંડમાં ચેરમેન વિક્રમ પુજારા સાથે અન્ય કેટલાક કોન્ટ્રાક્ટર તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગત નકારી શકાય તેમ નથી. શિક્ષણ સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમ પુજારાએ ચેરમેન બન્યા બાદ શાળા નં. 5, 11, 28, 72, 78, 92, 64બી, 23 વગેરે અડધો ડઝનથી વધુ સ્કૂલ પાડીને નવી બનાવી છે. આ ઉપરાંત કોઠારિયા તથા વાવડીની અડધો ડઝન સ્ફૂલમાં રૂમ બનાવવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગની સ્કૂલ પાડીને નવી બનાવવાની જરૂર નહતી, રિનોવેશન કરવાથી કામ ચાલી શકતું હતું, ઉપરાંત અમુક સ્કૂલમાં કોઈ વધારાના રૂમની જરૂર નહતી ત્યાં પણ બે-ચાર નવા રૂમ બનાવવામાં આવ્યા છે. એક સ્કૂલ બનાવવા માટેનો ખર્ચ ઓછામાં ઓછો પાંચ કરોડ થતો હોય છે ત્યારે ચેરમેન વિક્રમ પુજારાએ બાંધકામ કાંડમાં કેટલા કરોડના ગોટાળા કર્યા હશે તેની કલ્પના કરી પણ શકાય તેમ નથી.
- Advertisement -
અતુલ પંડિતે દાટ વાળેલો, વિક્રમ પુજારાએ દેવાળું જ ફૂંકી માર્યું! મુકેશ દોશીના સાથ-સહકારથી શિક્ષણ સમિતિની અવદશા?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભૂતપૂર્વ ચેરમેન અતુલ પંડિત દ્વારા ગણવેશ કૌભાંડ સહિતના ગોટાળા આચરવામાં આવ્યા હતા પરિણામે તેમને ચેરમેન પદ પરથી દૂર કરાયા હતા. ત્યારબાદ નવા બનેલા ચેરમેન વિક્રમ પુજારાએ પણ અતુલ પંડિતને પાછળ છોડી મસમોટા ગોટાળાઓ કરવામાં કશું બાકી રાખ્યું નથી. તત્કાલિન ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીના સાથ-સહકારથી વિક્રમ પુજારાએ સત્તાનો દુરુપયોગ કર્યો હોય એવા અસંખ્ય કિસ્સાઓ સમિતિના સભ્યોથી લઈ શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. સમગ્ર મામલે ભાજપનું જ એક જૂથ શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અને તેના સાથીદારોની કરમકુંડળી લઈ હાઈકમાન્ડ સુધી જવાનું વિચારી રહ્યુ છે. એવું કહેવાઈ છે કે, પુજારા પાછળ ડોશીનું પીઠબળ છે. પુજારા માત્ર ચહેરો જ છે, અસલિયતમાં આખોય દોરીસંચાર દોશી કરી રહ્યા છે!
પુજારાએ કોઈને ભાગ ન આપવો પડે એટલે જજઅમાંથી બાંધકામના કામ પાસ કરવાના શરૂ કર્યા
નવી સ્કૂલ બનાવવાના કામના નામે મલાઈ તારવવામાં માહેર વિક્રમ પુજારાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જો શિક્ષણ સમિતિમાં નવી સ્કૂલ બનાવવાની હોય તો તેનો અંદાજીત ખર્ચ 5થી 6 કરોડ રૂપિયા થાય છે અને આ માટે મનપા મારફતે ટેન્ડર બહાર પાડવું પડે છે તેમજ તમામ અન્ય કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. ત્યારે એવું કહેવાઈ છે કે, પોતાના લાગતાવળગતા કોન્ટ્રાક્ટરને ખટાવવા અને આર્થિક લાભ મેળવવા ચેરમેન પુજારા દ્વારા અધિકારી-પદાધિકારીને ભાગ ન આપવો પડે તેનો રસ્તો શોધી કાઢવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિની નવી સ્કૂલ બનાવવામાંથી મનપાનો રોલ નીકળી જાય તે માટે ચેરમેન પુજારાએ બાંધકામની ફાઈલ સીધી જ એસએસએ એટલે કે સર્વ શિક્ષા અભિયાનમાંથી પાસ કરવાનું ચાલુ કર્યું છે. આ પ્રકારે ન ફક્ત મનપાના જ પરંતુ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે શિક્ષણ સમિતિના સભ્યોની પણ નવી સ્કૂલ બનાવવામાં જરૂર પડતી નથી. ચેરમેન પુજારા છાનામાના ચોરીછુપી બાંધકામના કામમાં મોટો ખેલ પાડી રહ્યા છે. માત્ર એસએસએના એન્જિનિયર સાથે સાંઠગાંઠ કરી ચેરમેન પુજારા ધડાધડ નિર્ણય લઈ જરૂર ન હોય તેવી સ્કૂલનું રિનોવેશન કરી રહ્યા છે અથવા આખી સાજીસારી સ્કૂલ પાડીને નવી બનાવી મોટા આર્થિક ગોટાળા કરતા હોય એવું ચર્ચાઈ રહ્યું છે.