-સ્થાનિક ખાદ્યતેલ ઉપલબ્ધ છતા આયાત વધી
દેશમાં ખાદ્યતેલોની આયાત જુન મહિનામાં 39.11 ટકા વધી ગઈ હતી અને 13.11 લાખ ટન ખાદ્યતેલ ઠલવાયું હતું. સોલવન્ટ એકસ ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડીયા (એસઈએ) એ શુક્રવારે ડેટા જાહેર કરતા કહ્યું હતું કે માંગમાં નોંધપાત્ર વધારો થતા આયાત પણ ખાસ્સી વધી હતી. ગયા વર્ષે જુનમાં ખાદ્યતેલની આયાત 9.41 લાખ ટન થઈ હતી. કુલ વેજીટેબલ ઓઈલ (ખાદ્યતેલ અને બિન ખાદ્યતેલ)ની આયાત 49 ટકા વધીને 13.14 લાખ ટન થઈ હતી જે ગત વર્ષે જુનમાં 9.91 લાખ ટન હતી.
- Advertisement -
બિન ખાદ્યતેલોની આયાત 2900 ટન થઈ હતી. જે મોટાભાગે સાબુ બનાવતી કંપનીઓ અને ઓલિઓકેમિકલ કંપનીઓ આયાત કરતી હોય છે. સ્થાનિક ખાદ્યતેલનાં ભાવમાં નોંધપાત્ર ઘટાડાને પગલે માંગ વધી હતી જેને કારણે સ્થાનિકમાં ખાદ્યતેલ ઉપલબ્ધ હોવા છતાં આયાત નોંધપાત્ર વધી હતી.ક્રુડ પામ ઓઈલની આયાત જુનમાં 4.46 લાખ ટન થઈ હતી. જે મે મહિનામાં 3.48 લાખ ટન હતી. આરબીડી પામોલીનની આયાત વધીને 2.17 લાખ ટન થઈ હતી જે મે મહિનામાં 85,000 ટન હતી.
જોકે સનફલાવર ઓઈલની આયાત ઘટીને 1.90 લાખ ટન થઈ હતી, જે મેમાં 2.95 લાખ ટન હતી. ઈન્ડોનેશીયાથી પામ ઓઈલની આયાત વધીને 4.76 લાખ ટન થઈ હતી. જયારે મલેશીયામાંથી 1.54 લાખ ટન આયાત થઈ હતી. બ્રાઝીલમાંથી સોયાબીન ઓઈલની આયાત વધી રહી છે. જુનમાં ત્યાંથી 1.65 લાખ ટનની આયાત થઈ હતી.સમગ્ર લેટીન અમેરિકામાંથી સોયાબીન ઓઈલની આયાત નવેમ્બરથી જુનના ગાળામાં 9.73 લાખ ટન થઈ હતી. જે ગત વર્ષે આ ગાળામાં 7.20 લાખ ટન હતી.