ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં શેલ(બનાવટી) કંપનીના કેસમાં હવે EDએ એન્ટ્રી કરી છે. 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યમાં 23 જગ્યાએ દરોડા પાડ્યા છે. જેમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, સુરત અને કોડીનારનો સમાવેશ થાય છે. આ કેસમાં પત્રકાર મહેશ લાંગા સહિત અનેક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય એજન્સીએ પણ ઝંપલાવ્યું છે. ઇડીએ નવેસરથી ફરિયાદ દાખલ કરી રેડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
- Advertisement -
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજન્સ (DGGI)એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરના 14 જગ્યાએ રેડ કરી હતી. જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું છે.
સેન્ટ્રલ GSTદ્વારા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદના આધારે, અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ/એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, જેથી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં છે. આ પ્રકારની પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડીના રસ્તાઓ અપનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આવા બનાવટી બિલિંગ, બનાવટી દસ્તાવેજો અને તથ્યો/દસ્તાવેજોની ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે રાષ્ટ્રને નાણાકીય નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું કરવા માટે એક મોટું જૂથ કામ કરી રહ્યું છે. જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર
દેશભરમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં અગ્ર હરોળમાં રહે છે. તેવી જ રીતે કૌભાંડમાં પણ અગ્ર હરોળમાં છે. ગુજરાતમાં હાલ જીએસટી બોગસ બિલિંગકૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર થઇ ગયો છે. જુદા જુદા કેસની તપાસ હાલ ચાલી રહી છે.