POPની મૂર્તિ ખરીદ-વેંચાણ અને સ્થાપના પર પ્રતિબંધ
આ વર્ષે મૂર્તિમાં 20થી 25% ભાવવધારો નોંધાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટવાસીઓ કોઈપણ તહેવારને ધામધૂમથી ઉજવવા માટે અગાઉથી જ તૈયારીઓમાં લાગી જતા હોય છે ત્યારે લોકો રક્ષાબંધન અને સાતમ-આઠમની સાથે જ આવનાર ગણેશ મહોત્સવની ઉજવણીને લઇને પણ તૈયારીઓમાં લાગી ગયા છે. આ વખતે ખાસ માટીના ગણેશ બનાવવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડતા કારીગરોએ 20-20 કલાક કામ કરી 1 ફૂટથી લઇ 9 ફૂટ સુધીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ ઙઘઙની મૂર્તિઓના વેંચાણ અને સ્થાપના પર પ્રતિબંધ લાગતા અનેક રાજસ્થાની કારીગરોને નુકશાન થવાની સંભાવના સેવાઈ રહી છે. જો કે, ખાસ આ વખતે રો-મટીરીયલમાં દરેક વસ્તુમાં ભાવવધારો આવતા ગણેશજીની મૂર્તિ ખરીદીમાં ભક્તોએ પણ ખિસ્સા થોડા ભારે કરવા પડશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ ગણેશ મહોત્સવના આયોજકો અને મૂર્તિ બનાવતા કારીગરો સાથે સંયુક્ત બેઠક કરી બાદમાં એક જાહેરનામુ બહાર પાડ્યું હતું. આ જાહેરનામા મુજબ ખાસ આ વખતે પીઓપીની મૂર્તિ બનાવવા-વેંચાણ કરવા અને સ્થાપના કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, તેના કારણે રાજકોટમાં ઘણા રાજસ્થાની કારીગરો કે, જે બે-ત્રણ મહિના અગાઉ આવી પીઓપીની મૂર્તિ બનાવે છે તેમને નુકશાન થઇ શકે તેમ છે. આ સાથે જ મહત્તમ 9 ફૂટ ઊંચાઈની મૂર્તિ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. કારીગરો દ્વારા હાલ જાહેરનામા મુજબ 1 ફૂટથી લઇને 8 ફૂટ સુધીની અલગ-અલગ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. લોકો પોતાની પસંદગી મુજબ અત્યારથી જ પોતાના દુંદાળા દેવની પસંદગી કરી બુકિંગ કરાવી રહ્યા છે તો અમુકે પોતાની ઈચ્છા મુજબની મૂર્તિઓ બનાવવા સ્પેશિયલ ઓર્ડર પણ આપ્યા.
- Advertisement -
રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર સાત હનુમાન મંદિર પાસે જગન્નનાથ મંડપ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી અલગ-અલગ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. મૂર્તિ બનાવતા મૂર્તિકાર શંભુનાથ બહેરાએ જણાવ્યું હતું કે, આ વખતે લોકો અત્યારથી જ મૂર્તિના બુકિંગ કરાવવા માટે આવી રહ્યા છે. ખાસ તો લોકોમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનો ક્રેઝ ખૂૂબ જ વધી રહ્યો છે ત્યારે અમે પણ અમુક વર્ષોથી ગણપતિદાદાની ફક્ત માટીની જ મૂર્તિ
બનાવીએ છીએ.
આ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓમાં લાકડાના બેઇઝથી ભગવાનનું આસન અને તેની ઉપર સૂકા ઘાસનો ઉપયોગ કર્યા બાદ માટીની કારીગરી કરી સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે. ગત વર્ષે અમે 2 હજાર જેટલી મૂર્તિઓનું વેચાણ કર્યું હતું, આ વર્ષે અગાઉથી જ 1 ફૂટથી લઇ 8 ફૂટ સુધીની 4 હજાર જેટલી મૂર્તિઓ બનાવવાનો અમારો ટાર્ગેટ છે. ઘાસ, માટી, લાકડું, ખીલ્લી, કલર તેમજ મજૂરીમાં વધારો આવતા આ વર્ષે મૂર્તિમાં 20થી 25% ભાવવધારો નોંધાયો છે, જેમાં 4 હજારથી શરૂ કરી 35 હજાર સુધીની મૂર્તિ અમારી પાસે ઉપલબ્ધ છે.
જાહેરનામું ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે : કમિશનર
રાજકોટ શહેરમાં મોટા 15 જેટલા આયોજનો સહિત સોસાયટી અને ઓફિસોમાં મળી નાના-મોટા કુલ 1,500 જેટલા ગણેશ મહોત્સવના આયોજન થાય છે ત્યારે હવે જયારે ગણેશ મહોત્સવને આડે એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામુ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે, જેને લઇ જાહેરનામા ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.