NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી અંગે સરળ ભાષામાં માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (G.S.D.M.A.) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવવાના હેતુસર રાજ્યભરમાં તા. 20થી25 જાન્યુઆરી સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આપત્તિ વ્યવસ્થાપન અન્વયે ભૂકંપ અંગેની મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલમાં ભૂકંપ જયારે આવે ત્યારે કેવા કેવા પગલાં લેવા તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર શાખાની ટીમ, એન.ડી.આર.એફ. ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આકસ્મિક સંજોગો સામે તૈયાર રહી કઈ રીતે બચાવ કામગીરી હાથ ધરવી તે વિશે પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એન.ડી.આર.એફની ટીમ દ્વારા બચાવ કાર્ય સાધન સામગ્રીનાં ઉપયોગ અંગેનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જે આઈ.ટી.આઈના તાલીમાર્થીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું. સામાન્ય લોકોને ભૂકંપની આફત દરમિયાન કઈ રીતે બચાવી શકાય તે આ મોકડ્રીલ થકી બચાવ કામગીરીથી માહિતગાર કરાયા હતા.