દ્વારકા મામલતદાર કચેરીએ અરજદારોને જાતિના દાખલા કઢાવવામાં મુશ્કેલી
છેલ્લા છ મહિનાનાં તમામ અરજદારોએ નોટરી પેટે જમા કરેલી રકમ પરત કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જાતિના દાખલા માટે ફરજિયાત સોંગદનામાનો નિયમ દ્વારકા મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. જો રાજ્ય સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ અને એકરારનામાનો વિકલ્પ હોવા છતા શા માટે આવા મનઘડત નિયમો કરવામાં આવ્યા તે સવાલ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સૂરજકરાડીના એક જાગૃત નાગરીક આલાભા માણેકે આ બાબતે યોગ્ય પગલા લેવા કલેક્ટર અને પ્રાંતને રજૂઆત કરી છે.
દેવભૂમિ દ્વારકાની મામલતદાર કચેરીમાં જાતિનો દાખલો મેળવતી વખતે અરજદારો પાસે તમામ આવશ્યક દસ્તાવેજો હોવા છતા અને જાતિના દાખલામાં એકરારનામુ તરીકે વિકલ્પ હોવા છતા અરજદારોને નોટરી દ્વારા સોંગદનામું કરાવવાનું ફરજિયાત કરતા અનેક ફરિયાદો ઉઠી છે. જેમ કે અરજદારના પિતા, ભાઇ, બહેન, કાકા કે ફઇના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અથવા જાતિ પ્રમાણપત્ર હોય અને તેમાંથી સ્પષ્ટપણે જાતિ સાબિત થતી હોય છે તેમ છતા પણ મામલતદાર કચેરીએ સોંગદનામા વગર કોઇ અરજી સ્વીકારવામાં આવતી ન હોવાની ફરિયાદો મળી છે.
જાતિ દાખલાનું સત્તાવાર ફોર્મ તેના મુદ્દા ક્રમ 40માં એકરારનામું તરીકે વિકલ્પ આપવામાં આવ્યો છે. જે અરજદાર દ્વારા ભરી આપવામાં આવે છે. છતા પણ નોટરી દ્વારા સોંગદનામુ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યુ છે. આ બાબતે દ્વારકા મામલતદાર કચેરીના મુખ્ય જવાબદાર અધિકારી અને તાલુકા ન્યાયાધીશ જિજ્ઞેશ મહેતાને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતા યોગ્ય નિરાકરણ આવ્યુ નથી.
ગુજરાત રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં અને એકરારનામુ વિકલ્પ હોવા છતા અરજદારોને નોટરી દ્વારા સોગંદનામુ કરાવવાનું ફરજિયાત કર્યું છે. ત્યારે અરજદારોને નોટરી તેમજ સમયનો વ્યય થયો તેવા છેલ્લા છ મહિનાના તમામ અરજદારોને નોટરી પેટે કરેલી રકમ પરત કરવામાં આવે અને તે દ્વારકા મામલતદાર કચેરી અધિકારી પાસેથી જ વસૂલવામાં આવે તો જ ખોટી રીતે હેરાન પરેશાન થયેલા અરજદારોને ન્યાય મળશે. આ ઉપરાંત મામલતદાર કચેરીમાં સમાન નીતિ અને યોગ્ય માર્ગદર્શિકા મુજબ કાર્ય થાય તે માટે યોગ્ય પગલા લેવામાં આવે તે જરૂરી છે.