રોડના કોન્ટ્રાક્ટર્સએ આડેધડ, અયોગ્ય ડાયવર્ઝન આપી મુસાફરોની પીડા વધારી હોવાના આક્ષેપો
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર
- Advertisement -
જેતપુર રાજકોટ સિક્સ લેન રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે,જેથી સિક્સ લેન જેવા રોડનું કામ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ચાલુ તો કરવામાં આવ્યું પરંતુ યોગ્ય પ્રકારના ડાયવર્ઝન વગર એને કારણે દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે અવારનવાર ઠેરઠેર બે થી ત્રણ કલાકનો ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. દરરોજના ટ્રાફિકજામથી વાહન ચાલકોના સમય,ઇંધણ અને પૈસાનો વ્યય થાય છે. વાહન ચાલકોની આટઆટલી મુશ્કેલી છતાં કામ ઝડપથી કરવાને બદલે સાવ ધીમી અને ગોકળગાયની ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. જેતપુરથી રાજકોટ ફોર લેન હતી ત્યારે દોઢ કલાકમાં પહોંચી જતા જ્યારે હાલ રસ્તામાં ટ્રાફિકજામ ન સર્જાય તો ત્રણ કલાક અને ટ્રાફિકજામ સર્જાય તો કલાકો સુધી વાહનો ટ્રાફિકમાં ફસાય જાય છે અને કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે, ખાસ કરીને યાત્રાધામ વીરપુર પાસે તો અપાયેલા અયોગ્ય ડાયવર્ઝન સિંગલ પટીના હોવાથી અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ થાય છે જેમને લઈને વારંવાર વીરપુર ગામ અંદરથી વાહનોને ડાઈવટ કરાય છે ત્યારે વીરપુર એક યાત્રાધામ હોવાથી એક બાજુ યાત્રાળુઓ નો ઘસારો હોય તો બીજી બાજુ હાઇવે પરના વાહનો ને ગામ અંદર થી ડાયવટ કરવાથી વીરપુર ગામ માં પણ ભારે ટ્રાફિક સર્જાય છે, આવા ટ્રાફિકજામમાં ઘણી વખત તો દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ ફસાય જાય છે.
જેના કારણે દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાય જાય છે. વાહન ચાલકો આટલી મુશ્કેલી ભોગવે છે છતાંય નેશનલ હાઈવે ઓથોરોટી જેતપુરથી રાજકોટ વચ્ચે બેબે જગ્યા વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્ષ તો વસુલતા હોવા છતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાય છે જેમને લઈને જેતપુર રાજકોટ સિક્સલેન કામગીરી વધુ ઝડપી અને યોગ્ય ડબલ પટીના ડાયવર્ઝન કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે. થોડા સમય પહેલા રાજ્ય કક્ષાના પરિવહન મંત્રી અજય ટમ્ટાને જેતપુર રાજકોટ સીક્સલેન ની ઘીમીગતિએ ચાલી રહેલી કામગીરી અંગે વાહન ચાલકો દ્વારા રજુઆત કરાય હતી પરંતુ પરિવહન મંત્રીએ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ, દર્દીઓ સહિતની એમ્બ્યુલન્સ દરરોજ ફસાય જતી હોવા અંગે અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું. પરિવહન મંત્રી તો આશ્વાસન આપીને છૂટી ગયા પરંતુ વાસ્તવમાં વાહન ચાલકોને આ દરરોજ પડતી મુશ્કેલીમાંથી મુક્તિ પડશે કે સમસ્યા યથાવત રહેશે તે આગામી સમય જ બતાવશે.! હાલ તો વાહન ચાલકો આ જેતપુર-રાજકોટ સિક્સ લેન હાઈવે કામગીરી વધુ ઝડપી અને વહેલી તકે પુરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
સિક્સલેનની કામગીરી ઝડપથી થાય તેવી વીરપુરના સરપંચની માગણી
વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે વીરપુર બસસ્ટેન્ડ પાસે આ સિક્સલેનની કામગીરી મંદગતિએ થઈ રહી છે જેમને લઈને વારંવાર વાહનોમાં ટ્રાફીક સર્જાય છે અને એ ટ્રાફિક વીરપુર ગામની અંદરથી ડાઈવટ કરાય છે ત્યારે વીરપુર એક યાત્રાનું ધામ હોય જેમને અડીને યાત્રાળુઓનો પણ ઘસારો હોય અને બીજી બાજુ આ હાઇવેનો ટ્રાફિક ડાઈવટ કરવાંમાં આવે છે તો વીરપુરના મેઈન રોડ પર સ્કૂલો પણ આવેલી હોય જેમને લઈને વિદ્યાર્થીઓને પણ આ ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને મસ મોટા વાહનો વીરપુર અંદરથી પસાર થાય તો ઇલેક્ટ્રીક વીજ વાયરો પણ વારંવાર તૂટે છે જેમને લઈને કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે માટે તંત્રને ખાસ રજુઆત છે કે આ સિક્સલેનની કામગીરી ઝડપથી થાય અને સાંકડા ડાયવર્ઝન પહોળા બનાવવા આવે.
હાઇવે ઓથોરિટીના અધિકારીઓના આંખ આડા કાન : વાહન ચાલકો
ગોકળગાયની ગતિએ ચાલી રહેલી જેતપુર રાજકોટ સિક્સ લેન હાઇવેની કામગીરીથી અનેક વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાહન ચાલક રાજકોટના આલમભાઈ બુખારી અને વીરપુરના દીપકભાઈ વઘાસીયાએ જણાવ્યું કે એક તો આ સિક્સલેન હાઈવેનું કામ સાવ ધીમી ગતિએ ચાલુ છે અને રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ કરાયેલા અયોગ્ય ડાયવર્ઝનથી ટ્રાફિકની સમસ્યાઓ થાય છે પહેલા વીરપુર જેતપુરથી રાજકોટ જવા આવવા માટે એકથી દોઢ કલાકનો સમય જોતો અને હવે અવારનવાર ટ્રાફિકજમને લઈને ત્રણથી ચાર કલાક સુધીનો સમય વ્યર્થ થાય છે એમાંય રાજકોટ જેતપુર વચ્ચે બે-બે ટોલનાકા પરથી વાહન ચાલકો પાસેથી મસમોટો ટોલટેક્સ ઉઘરાવાય છે માટે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.