TB હેલ્થ વિઝિટર દ્વારા ઉડાવ જવાબ આપતા હોવાનો પણ આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે સરકારી હોસ્પીટલ ખાતે આવેલા ટીબી વિભાગ શાખા મોટાભાગે બંધ હોવાથી દર્દીઓને સમયસર દવાઓના ડોઝ મળતા નથી આ સાથે અનેક દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડે છે જ્યારે કેટલાક ટીબીની બિમારીથી પીડાતા દર્દીઓ કલાકો સુધી અહી બેસી રહે છે પરંતુ મનમોજી કર્મચારીઓ મન પડે ત્યારે ટીબી વિભાગની ઓફિસ ખોલી છે અને મન પડે ત્યારે તાળા મારીને નીકળી પણ જાય છે જ્યારે આ પ્રકારે એક દર્દી છેલ્લા ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા હતા. ધ્રાંગધ્રા ટીબી વિભાગના હેલ્થ વિઝિટર નિલદીપ ગૌસ્વામી દ્વારા સતત ત્રણ દિવસથી અહી ગેરહાજર હોવાના લીધે પૂછપરછ કરતા તેઓ દ્વારા બંને કર્મચારી ફિલ્ડમાં હોવાથી દર્દીને ધક્કા જ ખાવાના અને ઉપરી અધિકારીને જાણ કરો ! તેવા ઉડાવ જવાબ આપી દર્દીઓ પાસે રીતસરનો પાવર પછાડ્યો હતો
- Advertisement -
તેવામાં ફિલ્ડ વિઝીટર તરીકે નિલદીપ ગૌસ્વામી ટીબીની પીડાતા દર્દીઓના ઘરે જઈ તપાસ કરવાની હોય છે પરંતુ અહી કર્મચારી દરરોજ ફિલ્ડનું બહાનું દર્શાવી દર્દીઓના ઘરે તપાસ કરવા નહિ જતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે એક તરફ સરકાર દ્વારા ટીબી મુક્ત રાજ્ય બનાવવા માટે અથાગ પ્રયત્નો હાથ ધરી રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકારના કર્મચારીઓના લીધે દર્દીઓને સમયાંતરે દવાઓ અને સારવાર નહિ મળતાં ટીબી રોગથી મુક્તિ મળતી નથી ત્યારે ધ્રાંગધ્રા ટીબી વિભાગ ખાતે સારવાર લેતા દર્દીઓ દ્વારા આ પ્રકારના કર્મચારીઓને તાત્કાલિક બદલી કરવા અને કાયમી ટીબી વિભાગ ચાલુ રાખવા માંગ કરી ઉડાવ જવાબ આપતા ફિલ્ડ વિઝિટર નિલદીપ ગૌસ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે.