ફૂડ શાખા દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થના 4 નમૂના ફેઈલ થતા 95 હજારનો દંડ
માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાંય સરકારની ઢીલી નીતિને લીધે ગુજરાતમાં ભેળસેળને રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ
અધિક કલેક્ટરે આબાદ ગૃહ ઉદ્યોગ, ખોડિયાર વિજય ડેરી ફાર્મ, ક્રીમઝેન ફૂડ્ઝને દંડ ફટકાર્યો
માત્ર દંડ ફટકારીને ફૂડ વિભાગ સંતોષ માણી લે છે. આ કારણોસર ભેળસેળિયા તત્વોને બેફામ બન્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્યપદાર્થના 4 નમૂના ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.95,000 દંડના હુકમ કરવામાં આવેલ છે. પરંતુ કડક કાર્યવાહી ક્યારે તેવો સવાલ ઉદભવે છે માત્ર 20થી 30 હજારના દંડથી દુકાન માલિકોના પેટમાં પાણી હલતું નથી અને કડક સજા ન થતા અન્ય લોકો પણ ભેળસેળ કરીને ગ્રાહકોને માલ પધરાવી છે. રાજકોટમાં ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે. શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી, દૂધમાં પાણી, મધમાં ખાંડ, કોફીમાં ખજૂરના બી સહિત અન્ય ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ બીમારીઓને નોતરું આપે છે. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાંય સરકારની ઢીલી નીતિને લીધે ગુજરાતમાં ભેળસેળને રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.
ફૂડ વિભાગ દ્વારા “આબાદ ગૃહ ઉદ્યોગ” દિનદયાળ ઇન્ડ. માંડા ડુંગર મુકામેથી “સેકરીન (લુઝ)” નમુનો લેવામાં આવ્યો હતો. જેમાં “સેકરીન” ને બદલે “અસ્પાર્ટમ” મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો. પેઢીના સંચાલક ઈસ્માઈલ ગફારભાઈ લાખાણી તથા ઉત્પાદક પેઢીના માલિક કૌશરબાનુ ઈસ્માઈલભાઈ લાખાણીને કુલ મળીને રૂ 15,000 નો દંડ જ્યારે “શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મ” રેલ્વે અન્ડરબ્રીજ ઉપર, રૈયા રોડ મુકામેથી “અંજીર કાજુ આઇસ્ક્રીમ (લુઝ)” નમુનો લેવામાં આવ્યો હતો જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવતા ગોરધનભાઈ શિંગાળા તથા ભાગીદારી પેઢીને કુલ મળીને 20,000નો દંડ, “ક્રીમઝેન ફૂડઝ પ્રા.લી.” નાના મવા રોડ મુકામેથી “કેસર પિસ્તા આઇસ્ક્રીમ (લુઝ)” તથા સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નમુનો લીધો હતો જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા પેઢીના સંચાલક દીપભાઈ જિતેન્દ્રભાઈ જોષી અને પેઢીના નોમિની લીનાબેન પરેશભાઈ પરસાણા તથા ઉત્પાદક પેઢીને કુલ મળીને કુલ 60,000નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.
ખાદ્યચીજોના કુલ 51 નમૂના લેવામાં આવ્યા: રિપોર્ટ દિવાળી પછી આવશે
- Advertisement -
ઉત્સવ પ્રિય રાજકોટિયન્સ તહેવાર દરમિયાન કરોડો રૂપિયાની મીઠાઈ આરોગી જતાં હોય છે. ત્યારે મનપાની ફૂડ શાખાએ જાણીતી મીઠાઈની દુકાનોને ત્યાં જઈને ખાદ્ય ચીજવસ્તુઓના ટેસ્ટિંગ કરવાનું શરૂ કરાયું હતું. જેમાં સૂકોમેવો, અંજીર પાર્ક, નમકીન, એક્ઝોટિકા મીઠાઈ, ચેવડા, થાબડી, દૂધમાંથી બનતી મીઠાઈ, ગાંઠીયા સહિત 51 આઈટમોના નમૂના લેવામાં આવ્યા છે જો કે આના રિપોર્ટ આવશે ત્યારે લોકો આ વસ્તુને આરોગી ચૂક્યા હશે.