ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં જાણે અપમૃત્યુ અને આપઘાતનું પ્રમાણ વધ્યું હોય તેમ દિન-પ્રતિદિન આપઘાતના કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં ટંકારા તાલુકાના દેવળીયા ગામે ધંધામાં આર્થિક નુકસાની ભોગવતા જિનીંગ ફેકટરીના સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ટંકારા પોલીસના તપાસનીશ અધિકારી વસંત વાઘરે જણાવ્યું હતું કે, દેવડીયા ગામે આવેલ કોટેક્ષ જિનીંગ ફેકટરીના સંચાલક મયુરભાઇ હરીભાઇ ભાલોડીયાએ ફેકટરીમાં જ પંખા સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગેની જાણ ટંકારા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મયુરભાઇના લગ્ન ચાર વર્ષ પૂર્વે થયા હતા અને તેમને સંતાનમાં 10 માસનું બાળક છે. તેમના આપઘાતને પગલે પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું છે. મયુરભાઇને વ્યવસાયમાં રૂ. 2 કરોડની ખોટ આવી હતી. આ ઉપરાંત બેંકમાંથી ઓડિટ પણ આવવાનું હતું જેને પગલે તેઓ ચિંતામાં હતા. તારીખ 30 ઓગસ્ટના રોજ તેઓ ઘરેથી ફેક્ટરીએ ગયા બાદ પરત આવ્યા ન હતા જેથી પરિવારજનોએ તેમની શોધખોળ કરતા તેમનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો જેને પગલે મયુરભાઇએ વ્યવસાયમાં આવેલી નુકસાનીને પગલે આપઘાત કર્યો હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.